જામનગરના મોટી બાણુંગારમાં દબાણ મુદ્દે વિવાદ ગરમાયો: 13 શખ્સો સામે પોલીસ ફરિયાદ
જામનગર, 15 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામમાં સાંસ્કૃતિક હોલ પાસે થયેલા ગેરકાયદેસર દબાણ અને રસ્તો બંધ કરવાના મુદ્દે મોટો વિવાદ સામે આવ્યો છે. ગામના મુખ્ય દરવાજા પાસે આવેલા સાંસ્કૃતિક હોલની આસપાસ કાચી ઇંટોની દીવાલ ચણીને રસ્તો રોક
ફરિયાદ


જામનગર, 15 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામમાં સાંસ્કૃતિક હોલ પાસે થયેલા ગેરકાયદેસર દબાણ અને રસ્તો બંધ કરવાના મુદ્દે મોટો વિવાદ સામે આવ્યો છે. ગામના મુખ્ય દરવાજા પાસે આવેલા સાંસ્કૃતિક હોલની આસપાસ કાચી ઇંટોની દીવાલ ચણીને રસ્તો રોકી દેવામાં આવ્યો હતો. આ દબાણ હટાવવા માટે સમજાવવા ગયેલા ગામના વૃદ્ધ અને સાક્ષીઓને ધમકી આપવામાં આવતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે અને ૧૩ શખ્સો સામે ગુનો નોંધાયો છે.

બનાવની વિગત અનુસાર, મોટી બાણુંગાર ગામમાં રહેતા ૬૧ વર્ષીય સુરેશ નારણભાઈ ગામી નામના પટેલ વૃદ્ધે પંચકોશી-એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તા. ૧૩ના રોજ બપોરે ગામના સાંસ્કૃતિક હોલ પાસે આરોપીઓએ એકસંપ થઈને કાચી દીવાલ બનાવી ગામનો મેઇન રસ્તો બંધ કરી દીધો હતો. આથી સુરેશભાઈ તથા અન્ય સાહેદો આરોપીઓને આ દબાણ ખાલી કરવા બાબતે શાંતિથી સમજાવવા માટે ગયા હતા.

જોકે, સમજાવટથી મામલો ઉકેલાવાને બદલે વધુ બિચક્યો હતો. આરોપીઓએ ઉશ્કેરાઈને સુરેશભાઈ અને સાહેદોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત, તેઓને ખોટા એટ્રોસિટી કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ મામલે પોલીસે રમેશ રાજા પારીયા, મુકેશ હીરા મકવાણા સહિત ૧૩ શખ્સો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ મોટી બાણુંગાર ગામમાં જ સમાજ વાડીની દીવાલ ટ્રેક્ટર વડે તોડી પાડી જાતિ પ્રત્યે અપમાનિત કરી ધમકી આપવા અંગે ૧૦ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. તેના ટૂંક જ સમયમાં હવે ગામના પટેલ વૃદ્ધ દ્વારા ૧૩ શખ્સો સામે સામી ફરિયાદ નોંધાવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. હાલ હેડ કોન્સ્ટેબલ એ.જી.જાડેજા આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande