
રાજકોટ, 15 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના ગ્રીન લેન્ડ ચોકડી નજીક રહેતા દાઉદી વોરા સમાજના એક યુવાને વ્યાજમુક્ત લોન અપાવવાની લાલચ આપી પોતાના જ ત્રણ મિત્રો સાથે રૂ.૧૨.૮૦ લાખની ઠગાઈ કરી હોવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીએ ૩૪૧ ગ્રામથી વધુ સોનું એકઠું કરી સંસ્થામાં જમા કરાવવાને બદલે ખાનગીમાં ગીરવે મૂકી રકમ ઉપાડી પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી હતી.
રાજકોટના સદર બજાર વિસ્તારમાં રહેતા અને 'ન્યૂ સ્ટાર ટ્રેડર્સ' નામે વેસ્ટ પેપરનો વેપાર કરતા ૨૨ વર્ષીય હુસેનભાઈ જેનુદ્દીન ભારમલને પોતાના ધંધાના વિકાસ માટે નાણાંની જરૂરિયાત હતી. જોકે, તેમના નામે અગાઉથી લોન ચાલુ હોવાથી સમાજમાંથી નવી લોન મળી શકે તેમ નહોતી. આથી તેમણે પોતાના જૂના મિત્ર જુજર શકીલભાઈ દલાલના નામે સમાજની કલ્યાણકારી યોજના હેઠળ વગર વ્યાજની લોન મેળવવાનું નક્કી કર્યું હતું.
આ આયોજનમાં હુસેનભાઈ ઉપરાંત તેમના અન્ય બે મિત્રો અબ્દેલી મુર્તુજાભાઈ બારભાયા અને નજમુદ્દીન સબીરભાઈ હડીયાણા વાળા પણ જોડાયા હતા. ચારેય મિત્રોએ ભેગા મળીને કુલ રૂ. ૪૦ લાખની મોટી લોન લેવાનું નક્કી કર્યું હતું. તે માટે નવેમ્બર ૨૦૨૫માં સોની પાસે સોનાની કિંમતનું વેલ્યુએશન કરાવીને બે પેકેટમાં કુલ ૩૪૧.૦૭૦ ગ્રામ ફાઇન સોનું એકઠું કરી લોનની આગળની પ્રક્રિયા માટે જુજર દલાલને સુપ્રત કરવામાં આવ્યું હતું.
સોનું મેળવ્યા બાદ જુજર દલાલની દાનત બગડી હતી. તેણે આ સોનું જ્ઞાતિની અધિકૃત સંસ્થામાં જમા કરાવવાના બદલે જ્ઞાતિના આગેવાન પાસે ગીરવે મૂકી દીધું હતું અને તેના પર રૂ. ૩૧ લાખની લોન પોતે મેળવી લીધી હતી. આ રકમમાંથી તેણે અબ્દેલીને રૂ. ૧૦ લાખ આપ્યા હતા, જ્યારે અન્ય મિત્રોના હિસ્સાનું સોનું તેમજ રોકડ રકમ પોતાના અંગત ઉપયોગ માટે વાપરી નાખી હતી અને પોતાનો મોબાઈલ ફોન બંધ કરી ફરાર થઈ ગયો હતો.
છેતરપિંડીનો ભોગ બનેલા મિત્રોએ આ મામલે સમાજના આગેવાનો સાથે મળીને સમાધાન કરાવવાના વિપુલ પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમાં કોઈ સફળતા મળી નહોતી. આખરે હુસેનભાઈનું રૂ. ૧૦ લાખ અને નજમુદ્દીનનું રૂ. ૨.૮૦ લાખ મળી કુલ રૂ. ૧૨.૮૦ લાખનું સોનું હડપ કરી જનાર જુજર દલાલ સામે રાજકોટના બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt