રાજકોટમાં કમકમાટીભરી ઘટના: પેટ્રોલ પંપ પર હવા પૂરતા દિવ્યાંગ આધેડને કાર ચાલકે કચડી નાખતા મોત
રાજકોટ, 15 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ૮૦ ફૂટ રોડ પર એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ભાવનગર રોડ પરના ગંજીવાડામાં રહેતા ૪૨ વર્ષીય કાનજીભાઈ શામજીભાઈ વાઘેલા નાનપણથી જ કમરથી નીચેના બંને પગે દિવ્યાંગ હતા.
ઈજાગ્રસ્ત વિકલાંગ યુવકનું મોત


રાજકોટ, 15 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ૮૦ ફૂટ રોડ પર એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ભાવનગર રોડ પરના ગંજીવાડામાં રહેતા ૪૨ વર્ષીય કાનજીભાઈ શામજીભાઈ વાઘેલા નાનપણથી જ કમરથી નીચેના બંને પગે દિવ્યાંગ હતા. તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે છેલ્લા બે વર્ષથી થોરાળા ૮૦ ફૂટ રોડ પર આવેલા નાયરા કંપનીના મહાદેવ પેટ્રોલિયમ પંપના કમ્પાઉન્ડમાં બેસીને વાહનોમાં હવા પૂરવાનું મજૂરી કામ કરતા હતા અને પોતાની મહેનતથી જીવનનિર્વાહ ચલાવતા હતા.

ગત બુધવારે બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ કાનજીભાઈ હંમેશની જેમ પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં બેસીને પોતાનું નિયમિત કામ કરી રહ્યા હતા. તે જ અરસામાં પંપમાંથી ઇંધણ પુરાવીને બહાર નીકળી રહેલી એક સફેદ રંગની મહેન્દ્રા ફોર વ્હીલ કારના ચાલકે પોતાના વાહનને અત્યંત પૂરપાટ ઝડપે અને બેદરકારીપૂર્વક હંકારીને દિવ્યાંગ કાનજીભાઈને જોરદાર અડફેટે લીધા હતા. બેફામ બનેલા કાર ચાલકે કાનજીભાઈ પર ગાડીનું વ્હીલ ફેરવી દીધું હતું, જેના કારણે તેમના શરીર અને છાતીના ભાગે ગંભીર પ્રકારની ઘાતક ઈજાઓ પહોંચી હતી.

આ ભયાનક અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઘવાયેલા કાનજીભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ રોડ પર આવેલી શ્રી એમ. જે. દોશી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલના તબીબોએ તેમને પ્રાથમિક તપાસીને ટૂંકી સારવાર બાદ મૃત જાહેર કર્યા હતા. એકમાત્ર કમાઉ અને દિવ્યાંગ વ્યક્તિના અચાનક અને કરૂણ મોતથી તેમના ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.

ઘટના અંગે મૃતકના નાના ભાઈ વિપુલભાઈ શામજીભાઈ વાઘેલાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં પહોંચીને અકસ્માત સર્જીને નાસી છૂટેલા સફેદ રંગની મહેન્દ્રા કાર નંબર જીજે-03-જેસી-6405 ના અજાણ્યા ચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૨૮૧, ૧૦૬(૧) તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૧૭ અને ૧૮૪ હેઠળ ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા કાર ચાલકને ઝડપી પાડવા માટે સઘન શોધખોળ હાથ ધરી છે. આ કેસની આગળની તપાસ થોરાળા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કારેથા ચલાવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande