
નવસારી, 15 ઓક્ટોબર (હિ.સ.) : આદિજાતિ વિકાસ વિભાગ અને પ્રાયોજના વહીવટદારની કચેરી-વાંસદા દ્વારા EMRS, બારતાડ ખાતે શરૂ કરવામાં આવેલી 'વિક્રમ સારાભાઈ સ્પેસ એન્ડ ઇનોવેશન લેબ' રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અનુભવ આધારિત શિક્ષણના વિચારને સાકાર કરતી એક સીમાચિહ્નરૂપ યોજના છે.
ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ડૉ.વિક્રમ સારાભાઈના નામ પર બનેલી આ લેબ વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન અને તકનીકીનું અદભુત કેન્દ્ર બનશે. વિદ્યાર્થીઓ GSLV, PSLV, ચંદ્રયાન (લેન્ડર અને પ્રજ્ઞાન રોવર), મંગળયાન, આદિત્ય-L1 અને ગગનયાન જેવા મિશનોના મોડેલ્સ દ્વારા વિદ્યાર્થીઓ અવકાશનો ઇતિહાસ જાણી શકશે.
ઓબ્સ્ટેકલ અવોઇડિંગ, આર્મ, સ્પાઇડર, ક્યુબ રોબોટ્સ તેમજ 3 પ્રકારના ડ્રોન અને RC પ્લેન કિટ્સ દ્વારા પ્રોગ્રામિંગ અને ઉડાડવાની પ્રેક્ટિસ કરી શકાય છે. આ ઉપરાંત સૂર્યમંડળના વર્કિંગ મોડેલ્સ, ટેલિસ્કોપ દ્વારા આકાશ દર્શન, હાઇડ્રો રોકેટ અને 3ડી પ્રિન્ટર દ્વારા ડિઝાઇનિંગની તાલીમ મળશે.
આ લેબથી વિદ્યાર્થીઓને પુસ્તકીય જ્ઞાન ઉપરાંત Hands-on પ્રાયોગિક તાલીમ મેળવી શકશે. જેનાથી ભવિષ્યમાં તેઓ STEM (સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ) ક્ષેત્રે કારકિર્દી બનાવવા પ્રેરિત થશે. શિક્ષકોને પણ ખાસ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હોવાથી શાળામાં કાયમી ધોરણે માર્ગદર્શન મળશે. આ પ્રોજેક્ટની સફળતા બાદ રાજ્યની અન્ય EMRS શાળાઓ માટે પણ આ એક ઉત્તમ મોડેલ સાબિત થશે.
લેબના ઉદ્ઘાટન પૂર્વે તા.9 થી 14 ઓક્ટોબર, 2026 દરમિયાન 6 દિવસીય સઘન તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ડ્રોન, રોબોટિક્સ, ટેલિસ્કોપ અને 3ડી પ્રિન્ટરની પ્રાયોગિક તાલીમ અપાઈ હતી. સાથે જ રાત્રિના સમયે ટેલિસ્કોપ દ્વારા આકાશ દર્શનના વિશેષ સત્રો પણ યોજવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે