જૂનાગઢ જિલ્લાના દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આધાર વેરીફિકેશન પૂર્ણ કરવા અનુરોધ
જૂનાગઢ, 15 ઓક્ટોબર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લામાં દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબોને એક ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવાની યોજના અમલમાં છે. આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧ અને વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન 1-Khedut પોર્ટલ મારફતે અરજી કરી મંજૂર
જૂનાગઢ જિલ્લાના દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આધાર વેરીફિકેશન પૂર્ણ કરવા અનુરોધ


જૂનાગઢ, 15 ઓક્ટોબર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લામાં દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબોને એક ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવાની યોજના અમલમાં છે. આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧ અને વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન 1-Khedut પોર્ટલ મારફતે અરજી કરી મંજૂર થયેલા અને માર્ચ-૨૦૨૬ સુધી યોજનાનો લાભ મેળવેલા તમામ જૂના લાભાર્થીઓને વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ હપ્તાનો લાભ મેળવવા માટે હવે નવા 1-Khedut 2.0 પોર્ટલ પર પ્રોફાઇલ બનાવી આધાર વેરીફિકેશન કરાવવાનું રહેશે.

આ અંગે આત્મા તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સ્ટાફ અને ખેડૂત મિત્રો દ્વારા લાભાર્થીઓને તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં આધાર વેરીફિકેશન પૂર્ણ કરવા જાણ કરવામાં આવી હતી. તેમ છતાં કેટલાક લાભાર્થીઓ દ્વારા હજુ સુધી વેરીફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નથી. આધાર વેરીફિકેશન બાકી રહેવાના કારણે લાભાર્થીની સ્થળ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઈ શકતી ન હોવાથી તેઓ યોજનાના લાભથી વંચિત રહી શકે છે.

જૂનાગઢ જિલ્લાના યોજનાના તમામ જૂના લાભાર્થીઓને 1-Khedut 2.0 પોર્ટલ પર પ્રોફાઇલ બનાવી આગામી ૧૦ દિવસમાં આધાર વેરીફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવે છે.

લાભાર્થીઓ 1-Khedut 2.0 પોર્ટલ પર પ્રોફાઇલ બનાવવા તથા આધાર વેરીફિકેશન કરાવવા માટે ગ્રામ પંચાયત, ઇન્ટરનેટ કનેક્ટિવિટી ધરાવતા કેન્દ્રો, ખેડૂત મિત્ર, તાલુકા કક્ષાના આત્મા તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સ્ટાફનો સંપર્ક કરી શકશે. ઉપરાંત, ખેડૂત તાલીમ કેન્દ્ર, સરદારબાગ, જૂનાગઢ ખાતે આવેલી કચેરીનો પણ સંપર્ક કરી શકાશે. તેમ પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા જૂનાગઢની યાદીમાં જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande