પાટણના કાલિકા માતાજી મંદિરમાં આસો નવરાત્રીની પંચમીએ ભવ્ય શણગાર, નવા અલંકારોથી માતાજીને સજાવાયાં
પાટણ, 15 ઓક્ટોબર (હિ.સ.) : પાટણમાં આસો નવરાત્રીના પાંચમા દિવસે નગરદેવી કાલિકા માતાજીના મંદિરમાં વિશેષ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે માતાજીને નવા અલંકારો અને આકર્ષક દાગીનાથી શણગારવામાં આવ્યાં હતાં. માતાજીનાં દર્શન માટે આવતા શ્
પાટણના કાલિકા માતાજી મંદિરમાં આસો નવરાત્રીની પંચમીએ ભવ્ય શણગાર, નવા અલંકારોથી માતાજીને સજાવાયાં


પાટણના કાલિકા માતાજી મંદિરમાં આસો નવરાત્રીની પંચમીએ ભવ્ય શણગાર, નવા અલંકારોથી માતાજીને સજાવાયાં


પાટણ, 15 ઓક્ટોબર (હિ.સ.) : પાટણમાં આસો નવરાત્રીના પાંચમા દિવસે નગરદેવી કાલિકા માતાજીના મંદિરમાં વિશેષ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે માતાજીને નવા અલંકારો અને આકર્ષક દાગીનાથી શણગારવામાં આવ્યાં હતાં. માતાજીનાં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. નવરાત્રીના પર્વ દરમિયાન મંદિર ખાતે ધાર્મિક માહોલ સાથે ભક્તિમય વાતાવરણ છવાયું હતું.

ઉત્સવ નિમિત્તે માતાજી માટે ખાસ તૈયાર કરવામાં આવેલા નવા પ્રકારના અલંકારો પહેરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોલકાતા, મુંબઈ સહિત દેશ-વિદેશમાંથી મંગાવવામાં આવેલા ઉચ્ચ ગુણવત્તાના વિવિધ રંગબેરંગી ફૂલોથી માતાજીની આગી તૈયાર કરવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસરને પણ ફૂલોથી આકર્ષક રીતે સજાવવામાં આવ્યું હતું, જેના કારણે મંદિરની શોભામાં વધારો થયો હતો. વિશેષ શણગારને કારણે માતાજીનું સ્વરૂપ વધુ આકર્ષક અને મનમોહક બન્યું હતું.

પંચમીના ઉત્સવ બાદ હવે આગામી 19 ઓક્ટોબર, સોમવારે આવતી દુર્ગાષ્ટમી એટલે કે આસો નવરાત્રીની આઠમના પવિત્ર દિવસે મંદિર ખાતે આનાથી પણ વધુ ભવ્ય ડેકોરેશન અને વિશેષ આગીની રચના કરવામાં આવશે. આઠમના દિવસે માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે. નવરાત્રીના બાકીના દિવસોમાં પણ મંદિર ખાતે વિવિધ ધાર્મિક આયોજન અને માતાજીની વિશેષ આરાધનાને લઈને ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande