
જામનગર, 15 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર શહેરમાં વીજચોરી અને ગેરકાયદેસર વીજજોડાણો ડામવા માટે પીજીવીસીએલ દ્વારા આજે ગુરુવાર સવારથી મેગા ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત સાથે શરૂ થયેલી આ સઘન તપાસ કામગીરીને કારણે વીજચોરો અને ગેરકાયદેસર જોડાણ લેનારાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.
પીજીવીસીએલની વિવિધ ટીમોએ, શહેરના નાગનાથ ગેઇટ પાસે આવેલા કુંભારવાડા અને અંબાજીનો ચોક સહિતના સંવેદનશીલ વિસ્તારોને ખાસ ટાર્ગેટ કર્યા હતા. આ વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં અચાનક ત્રાટકીને વીજ વાયરિંગ તથા મીટરોની સઘન ચકાસણી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન અનેક સ્થળોએ ગેરકાયદેસર વીજજોડાણો અને વીજચોરી પકડાઈ હતી. તંત્ર દ્વારા આ ગેરરીતિ કરનારાઓ સામે નિયમો અનુસાર ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે અને સ્થળ પર જ વીજચોરીના દિલધડક બિલો ફટકારવામાં આવ્યા છે.
વીજ પુરવઠાના વ્યાપક હિતમાં અને વીજચોરીનું દૂષણ જામનગરમાંથી નાબૂદ કરવા માટે પીજીવીસીએલ દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની આક્રમક ચેકિંગ કામગીરી ચાલુ રાખવામાં આવશે તેવી સંભાવના છે, જેને લઈને ગેરકાયદે ઉપયોગકર્તાઓમાં કાયદાનો ડર ઊભો થયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt