
રાજકોટ, 15 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ શહેરમાં હોકર્સ ઝોનની વ્યવસ્થાને વધુ પારદર્શક અને સુગ્રથિત બનાવવાના ઉદ્દેશથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ નોંધાયેલા હોકર્સને યુનિક QR કોડ ધરાવતા વિશેષ ઓળખપત્ર વિતરણ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ નવતર પહેલથી દબાણ હટાવ શાખાની ટીમને અધિકૃત અને બિનઅધિકૃત ફેરિયાઓની ઓળખ કરવામાં મોટી સફળતા મળશે.
શહેરમાં નાના ધંધાર્થીઓ અને ફેરિયાઓ શાંતિપૂર્ણ રીતે પોતાની રોજીરોટી મેળવી શકે તે માટે પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં ૮૫ જેટલા હોકર્સ ઝોન તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં હાલ આશરે ૩૮૦૦ જેટલા હોકર્સ વ્યવસાય કરી રહ્યા છે. આ હોકર્સ ઝોનમાં માત્ર મંજૂરી મેળવેલ વ્યક્તિઓ જ વેપાર કરી શકે તે નિશ્ચિત કરવા માટે આ નવી ઓળખપત્ર પ્રણાલી અમલમાં મૂકવામાં આવી છે.
નવા આપવામાં આવેલા ઓળખપત્રમાં હોકર્સનો પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ, તેમનું પૂરું નામ અને ફાળવવામાં આવેલા હોકર્સ ઝોનનું નામ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમાં સમાવવામાં આવેલા વિશેષ QR કોડને સ્કેન કરતા જ મહાનગરપાલિકાના કર્મચારીઓને સંબંધિત હોકર્સની તમામ વિગતો સ્થળ પર જ ઉપલબ્ધ થઈ જશે. આ ટેકનોલોજીના ઉપયોગથી મંજૂરી વગર વેપાર કરતા બિનઅધિકૃત ફેરિયાઓને તુરંત ઓળખીને તેમની સામે હટાવવાની કામગીરી ઝડપી બનશે.
મહાનગરપાલિકા દ્વારા તમામ નોંધાયેલા હોકર્સને, આ QR કોડવાળું ઓળખપત્ર પોતાની રેંકડી કે કેબિન પર સ્પષ્ટ રીતે જોઈ શકાય તે રીતે રાખવાની કડક સૂચના આપવામાં આવી છે. જે હોકર્સ પાસે આ માન્ય ઓળખપત્ર ઉપલબ્ધ નહીં હોય અથવા નિયમનું ઉલ્લંઘન જણાશે, તેમની રેંકડી, કેબિન તથા અન્ય માલસામાન જપ્ત કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt