સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનન પર રાજકોટ રેન્જ ટીમનો દરોડો: રૂ.4.45 કરોડનો મુદ્દામાલ સીઝ
રાજકોટ, 15 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ રેન્જ પોલીસે ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ પર લાલ આંખ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા અને જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર પથ્થર તેમજ રેતીનું ખનન ઝડપી પાડ્યું છે. પોલીસે દરોડા દરમિયાન ૩ વોશ પ્લાન્ટ, ૧૦ ડ
રાજકોટ રેન્જ નો દરોડો


રાજકોટ, 15 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ રેન્જ પોલીસે ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ પર લાલ આંખ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા અને જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર પથ્થર તેમજ રેતીનું ખનન ઝડપી પાડ્યું છે. પોલીસે દરોડા દરમિયાન ૩ વોશ પ્લાન્ટ, ૧૦ ડમ્પર, ૩ લોડર અને ૩ હિટાચી મશીન મળીને કુલ રૂપિયા ૪,૪૫,૦૦,૦૦૦ નો કિંમતી મુદ્દામાલ સીઝ કર્યો છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની સૂચના અનુસાર સરકારી તથા કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડતા તત્વો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, એ.વાય.ઉધાસ, એસ.પી.ગોહિલ અને સ્ટાફે હ્યુમન સોર્સ અને ચોક્કસ બાતમીના આધારે આ સમગ્ર કામગીરી પાર પાડી હતી.

મળેલી બાતમીના આધારે પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. જેમાં ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારના સમઢીયાળા ગામની સીમમાંથી ગેરકાયદે રેતી ખનન કરતા વોશ પ્લાન્ટ સંચાલક ભરત આપાભાઇ ખાચર, જાગસીન લખમણભાઇ ઝાપડા અને મેહુલ હરીસંગભાઇ ગોહીલના ૩ વોશ પ્લાન્ટમાંથી ૮ ડમ્પર તથા ૩ લોડર ઝડપાયા હતા. આ ઉપરાંત, મોરવાડ ગામની સીમમાંથી ગેરકાયદે પથ્થરનું ખનન કરતા ૩ હ્યુન્ડાઇ કંપનીના એસ્કવેટર (હિટાચી) મળી આવ્યા હતા.

બીજી તરફ, જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારની ભોગાવો નદીના કાંઠે આવેલા મઢાદ ગામની સીમમાંથી ગેરકાયદે પથ્થર ભરેલા ૨ ડમ્પર મળી આવ્યા હતા. આમ, પોલીસે કુલ ₹૪.૪૫ કરોડનો મુદ્દામાલ સીઝ કરીને સ્થળ પરથી હાજર ડ્રાઇવરોને હસ્તગત કર્યા છે. આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરી સ્થાનિક પોલીસને સોંપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande