
જામનગર, 15 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા દ્વારા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બંધ રહેતા કંપનીને ટર્મિનેશન નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં જગ્યા ખુલ્લી કરવામાં આવી નથી. આથી પાલિકાએ ફાળવેલ જગ્યાનો કબ્જો તાત્કાલિક પરત મેળવવા અને થયેલા આર્થિક નુકસાનનું વળતર વસૂલ કરવા વોર્ડ નંબર ૧૨ના કોર્પોરેટર સહારાબેન મકવાણાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને ઉગ્ર રજૂઆત કરી છે.
શહેરમાંથી એકત્ર થતા કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે આ પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો, પરંતુ તે લાંબા સમયથી બંધ હાલતમાં છે. પ્લાન્ટ બંધ હોવાને કારણે હાલ તમામ કચરો ગુલાબનગર પાસે નાખવામાં આવે છે, જ્યાં કચરાના ગિરનાર જેવા વિશાળ ખડકલા થઈ ગયા છે. આ કચરાના ઉપાડ માટે અવારનવાર કરોડો રૂપિયાના ટેન્ડરો બહાર પાડીને મનપાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
મહાનગરપાલિકા અને વેસ્ટ ટુ એનર્જી કંપની વચ્ચે એપ્રિલ ૨૦૧૭માં થયેલા કરારની શરતોનો કંપની દ્વારા ભંગ કરવામાં આવ્યો છે. આ બાબતે પાલિકા દ્વારા જુલાઈ ૨૦૨૫માં ટર્મિનેશન નોટિસ અને તે પૂર્વે 'કારણ દર્શાવો' નોટિસો આપવામાં આવી હોવા છતાં કંપની દ્વારા પ્લાન્ટ ફરી શરૂ કરવામાં આવ્યો નથી, જેના કારણે મહાનગરપાલિકાને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્પોરેટરે માંગણી કરી છે કે મહાનગરપાલિકાએ ફાળવેલી જમીન તાત્કાલિક કબ્જે કરવામાં આવે. સાથોસાથ કરારની શરતો મુજબ કંપની પાસેથી થયેલા તમામ નુકસાનનું વળતર વસૂલ કરીને યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt