
જામનગર, 18 ઓક્ટોબર (હિ.સ.) :
જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ઓક્ટોબર માસની જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા વિવિધ પ્રજાકીય પ્રશ્નોના સત્વરે અને નિયત સમયમર્યાદામાં નિરાકરણ લાવવા માટે કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી.
બેઠક દરમિયાન ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે કૃષિલક્ષી વીજ જોડાણનો બેકલોગ દૂર કરવા, આંગણવાડીઓને પોતાના મકાન ફાળવવા, જર્જરિત વીજ વાયરો બદલવા તેમજ ધ્રોલ BRC ખાતે કમ્પાઉન્ડ વોલ અને નવું તાલીમ ભવન બનાવવા અંગે રજૂઆત કરી હતી. આ ઉપરાંત વીજફીડર બંધ થવાની જાહેર જનતાને આગોતરી જાણ કરવા અને ગ્રામીણ વિસ્તારોમાં નિયમિત પીવાનું પાણી પૂરું પાડવા સહિતના મુદ્દાઓ પર પ્રાથમિકતાના ધોરણે યોગ્ય કામગીરી કરવા અધિકારીઓને જણાવાયું હતું.
આ સિવાય ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા વીજલાઈન અને પાણીના સમ્પ ખેતરના બદલે ખરાબાની જમીનમાં બનાવવા, જમીન માપણી સર્વે હાથ ધરવા, પ્રોપર્ટી કાર્ડ અને પાક વીમા સંબંધિત પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી. સંભવિત અછતની પરિસ્થિતિમાં ઘાસચારાનો પૂરતો જથ્થો જાળવી રાખવા તેમજ તમામ પેન્ડિંગ પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
બેઠકમાં અગાઉની કાર્યવાહીની સમીક્ષા સાથે વિવિધ વિભાગોની અરજીઓ અને પ્રશ્નો અંગે વિસ્તૃત વિચારણા કરાઈ હતી. સાથે જ નવેમ્બર માસમાં યોજાનારા મુખ્યમંત્રીના સંભવિત કાર્યક્રમના આયોજન અંગે પણ પૂર્વતૈયારીઓ ચર્ચવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી નિશા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, પ્રાંત અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt