રાજકોટ જિલ્લામાં મહિલાઓ માટે, ફળ-શાકભાજી પરિરક્ષણ તાલીમ યોજાઈ
રાજકોટ, 18 ઓક્ટોબર (હિ.સ.) : નાયબ બાગાયત નિયામક કચેરી રાજકોટ દ્વારા, ‘મહિલા સશક્તિકરણ યોજના’ અંતર્ગત ‘મહિલા વૃતિકા યોજના’ હેઠળ ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી ફળ અને શાકભાજી પરિરક્ષણ તાલીમોનું સફળ આયોજન કરાયું હતું. આ તાલીમનો મુખ્ય ઉદ્દ
ફળ શાકભાજી પરિરક્ષણ તાલીમ


રાજકોટ, 18 ઓક્ટોબર (હિ.સ.) : નાયબ બાગાયત નિયામક કચેરી રાજકોટ દ્વારા, ‘મહિલા સશક્તિકરણ યોજના’ અંતર્ગત ‘મહિલા વૃતિકા યોજના’ હેઠળ ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી ફળ અને શાકભાજી પરિરક્ષણ તાલીમોનું સફળ આયોજન કરાયું હતું. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને ઘરગથ્થુ તેમજ વ્યાવસાયિક સ્તરે સ્વરોજગારી મેળવવા સક્ષમ કરવાનો અને આર્થિક રીતે મજબૂત બનાવવાનો હતો.

આ તાલીમ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં તબક્કાવાર તાલીમ વર્ગો યોજવામાં આવ્યા હતા. જેમાં ૦૮ થી ૦૯ ઓક્ટોબર દરમિયાન કમળાપુર ખાતે ૫૪ મહિલાઓ, ૧૨ થી ૧૩ ઓક્ટોબર દરમિયાન જંગવડ ખાતે ૨૧ મહિલાઓ તથા ૧૪ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન પાંચવડા ખાતે ૨૧ મહિલાઓ મળીને કુલ ૯૬ મહિલા તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

તાલીમ દરમિયાન બાગાયત વિભાગના સ્ટાફ દ્વારા તાલીમાર્થીઓને વિવિધ ફળો અને શાકભાજીમાંથી મૂલ્યવર્ધિત ખાદ્ય ઉત્પાદનો તૈયાર કરવાની પ્રાયોગિક વિગતો પૂરી પાડવામાં આવી હતી. જેમાં ઘરગથ્થુ અને વેપારી ધોરણે ઉપયોગી થાય તેવા જુદા જુદા અથાણાં, જામ, શરબત, ટોમેટો કેચઅપ અને ટૂટીફૂટી જેવી વાનગીઓ તથા ખાદ્ય બનાવટો બનાવવાની પદ્ધતિઓ પ્રત્યક્ષ રીતે શીખવવામાં આવી હતી.

આ ઉપરાંત, કાર્યક્રમ દરમિયાન મહિલાઓને પ્રાકૃતિક ખેતી અપનાવવા અને જૈવિક ઉત્પાદનોનો વપરાશ વધારવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ કાચા માલનો યોગ્ય ઉપયોગ કરી ગૃહિણીઓ આર્થિક રીતે પગભર બની શકે તે અંગે કચેરીની યાદીમાં વિગતો દર્શાવવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande