
રાજકોટ, 18 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ જિલ્લા કક્ષાની નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક, કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં યુવાધનને નશીલા પદાર્થોથી બચાવવા માટે શાળા અને કોલેજોની આસપાસ તંબાકુનું વેચાણ કરતા ઈસમો સામે ખાસ ઝુંબેશ શરૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
આ બેઠકમાં યુવાનોમાં નાર્કોટિક્સ ડ્રગ્સ વિરુદ્ધ, વ્યાપક જાગૃતિ ફેલાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. શૈક્ષણિક સંસ્થાઓમાં જાગૃતિ અભિયાન ચલાવવા, વ્યસન મુક્તિ કેન્દ્રોનો પ્રચાર કરવા તેમજ બાળ સુધાર ગૃહમાં આવતા સગીરોનું નિયમિત કાઉન્સેલિંગ કરવા સંબંધિત તમામ વિભાગોને સૂચના અપાઈ છે.
રાજકોટ ગ્રામ્ય અને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા એન્ટી નાર્કોટિક્સ ડ્રગ્સ ઝુંબેશ અંતર્ગત, એક જ માસમાં રૂ. ૧,૬૧,૭૫૦ ની કિંમતનો ૩.૨૩ કિલોગ્રામ ગાંજો જપ્ત કરી ત્રણ આરોપીઓ સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મેડિકલ સ્ટોર્સ પર સતત ચેકિંગ કરવાની વિગતો રજૂ કરાઈ હતી.
આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર, આસિસ્ટન્ટ કલેક્ટર અતુલ સિંઘ અને નિવાસી અધિક કલેક્ટર જય બારોટ સહિતના વિવિધ સમિતિના સભ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt