
જામનગર, 18 ઓક્ટોબર (હિ.સ.) : બેંગલુરુ ખાતે આયોજિત ૨જી એશિયન માસ્ટર્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૬માં જામનગરની ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ધારા રાણાએ ૨૦૦ મીટર બટરફ્લાય સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે.
સ્વિમિંગ ફેડરેશન દ્વારા ૪ થી ૧૦ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન બેંગલુરુના સેન્ટર ફોર એક્સેલન્સ ખાતે આ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં એશિયા અને મધ્યપૂર્વના પ૩ દેશોમાંથી ૨૫ થી ૮૦ વર્ષથી વધુ વયજૂથના ૧,૩૦૦થી વધુ માસ્ટર્સ સ્વિમર્સે ભાગ લીધો હતો. આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્પર્ધકો વચ્ચે ડૉ. ધારા રાણાએ પોતાની કૌશલ્યપૂર્ણ રમત દ્વારા બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.
વ્યવસાયે ડેન્ટિસ્ટ અને પ્રોફેસર હોવા સાથે ધારા રાણા છેલ્લા ઘણા સમયથી સ્વિમિંગ ક્ષેત્રે સક્રિય છે. તેઓ નેશનલ સ્વિમર અને ઓપન વોટર સ્વિમર હોવાની સાથે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) બેંગલુરુ દ્વારા પ્રમાણિત સ્વિમિંગ કોચ પણ છે. આ અગાઉ તેમણે AICS ૨૦૨૩ અને ૨૦૨૫માં સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. ઉપરાંત, નેશનલ સી સ્વિમિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૬ની ૫ કિલોમીટર ઓપન-વોટર દરિયાઈ સ્પર્ધામાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
પોતાની સિદ્ધિ માટે ધારા રાણા નિયમિતપણે જામનગર મહાનગરપાલિકાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કઠોર તાલીમ મેળવે છે. રમત પ્રત્યેના સમર્પણની સાથે તેઓ જામનગરની યુવતીઓને સ્વિમિંગ માટે મફત માર્ગદર્શન અને તાલીમ આપે છે. વ્યાવસાયિક જવાબદારીઓ નિભાવવાની સાથે રમતગમતમાં મેળવેલી આ આંતરરાષ્ટ્રીય સફળતા મહિલાઓ અને યુવા પેઢી માટે પ્રેરણારૂપ બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt