જામનગરમાં નવરાત્રિ પર્વે મહિલાઓની સુરક્ષા માટે 181 'અભયમ' અને 'સી-ટીમ'ની વિશેષ ઝુંબેશ
જામનગર, 18 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર શહેરમાં નવરાત્રિ પર્વ દરમિયાન મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા તથા સલામતી સુનિશ્ચિત કરવા માટે 181 ‘અભયમ’ મહિલા હેલ્પલાઇન અને ‘સી-ટીમ’ સક્રિય બની છે. મહિલાઓ સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણમાં ગરબા મહોત્સવની ઉજવણી કરી શક
નવરાત્રિમાં દેખરેખ કરતી શી ટીમ અને અભયમ ટીમ


જામનગર, 18 ઓક્ટોબર (હિ.સ.) :

જામનગર શહેરમાં નવરાત્રિ પર્વ દરમિયાન મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા તથા સલામતી સુનિશ્ચિત કરવા માટે 181 ‘અભયમ’ મહિલા હેલ્પલાઇન અને ‘સી-ટીમ’ સક્રિય બની છે. મહિલાઓ સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણમાં ગરબા મહોત્સવની ઉજવણી કરી શકે તેવા હેતુથી શહેરના વિવિધ ગરબા સ્થળોની મુલાકાત લઈને જાગૃતિ ફેલાવવાની ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

નવરાત્રિના ઉત્સવ દરમિયાન ગરબાના સ્થળો પર મહિલા સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ગરબા ગ્રાઉન્ડ્સ પર પહોંચીને અભયમ અને સી-ટીમ દ્વારા મહિલાઓને સુરક્ષા સંબંધી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. કોઈ અજાણી વ્યક્તિ દ્વારા અયોગ્ય કે અશ્લીલ વર્તન થાય, છેડતીનો પ્રયાસ થાય અથવા પીછો કરીને રસ્તો રોકવામાં આવે તો ગભરાયા વગર તાત્કાલિક પગલાં ભરવાની સલાહ આપવામાં આવી છે.

કોઈપણ પ્રકારની મુશ્કેલી કે છેડતીની ઘટના સમયે મહિલાઓ સહેજ પણ સંકોચ રાખ્યા વિના તાત્કાલિક 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી શકે છે. મદદ માટે કૉલ મળતાં જ 181 ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચીને જરૂરી કાયદાકીય અને સુરક્ષાત્મક સહાય પૂરી પાડશે. આ સમગ્ર વ્યવસ્થા મહિલાઓની સુરક્ષા, સન્માન અને સ્વાભિમાનની રક્ષા કરવાના ઉદ્દેશથી સતત કાર્યરત રાખવામાં આવી છે.

મહિલાઓની સલામતી માટે 181 ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર દિવસ-રાત એટલે કે 24×7 કાર્યરત રહેશે. નવરાત્રિ દરમિયાન કોઈપણ કટોકટી કે મુશ્કેલીભરી પરિસ્થિતિમાં વિલંબ કર્યા વગર આ નંબર પર સંપર્ક કરીને તાત્કાલિક સુરક્ષા અને સહાય મેળવવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande