

- પોષણ, માસિક સ્વચ્છતા, આરોગ્ય અને કારકિર્દી માર્ગદર્શન અંગે કિશોરીઓને અપાઈ વિસ્તૃત માહિતી
અંબાજી18 ઓક્ટોબર
(હિ.સ.). જિલ્લા
પ્રોગ્રામ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળમહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા
કાર્યરત પૂર્ણા યોજના અંતર્ગત કિશોરીઓમાં પોષણ, આરોગ્ય અને સ્વચ્છતા અંગે જાગૃતિ
લાવવા માટે વિવિધ શાળાઓમાં પૂર્ણા અવેરનેસ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.આ
કાર્યક્રમો દરમિયાન પાલનપુર-3 સેજાનાં મુખ્ય સેવિકા ગીતાબેન, પાલનપુર-1નાં મુખ્ય સેવિકા નયનાબેન, દાંતા-2 સેજા અંબાજીનાં મુખ્ય સેવિકા
જાગૃતિબેન તેમજ જિલ્લા પૂર્ણા કન્સલ્ટન્ટ અરુણાબેન દ્વારા કિશોરીઓને માર્ગદર્શન
આપવામાં આવ્યું હતું. મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્કૂલ, પાલનપુર તેમજ શ્રી બી.ડી. મહેતા આરાસુરી
કન્યા વિદ્યાલય, દાંતા-અંબાજી
સહિતની શાળાઓમાં કાર્યક્રમ યોજાયો હતો.
પૂર્ણા યોજના હેઠળ 15થી 18 વર્ષની કિશોરીઓને દર મહિને પૂર્ણા
શક્તિના ચાર પેકેટ આપવામાં આવે છે. આ અંગે કિશોરીઓને પૂર્ણા શક્તિમાં સમાવિષ્ટ
પોષકતત્ત્વો, તેના
ફાયદા તેમજ તેમાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓ વિશે સમજ આપવામાં આવી હતી. સાથે જ
સમતોલ અને પોષણયુક્ત આહારનું મહત્વ સમજાવી જંકફૂડ અને ફાસ્ટફૂડના વધુ પડતા સેવનથી
થતા નુકસાન અંગે જાગૃત કરવામાં આવી હતી.અંબાજીની શ્રી બી.ડી. મહેતા આરાસુરી કન્યા
વિદ્યાલય ખાતે મુખ્ય સેવિકા જાગૃતિબેન અને આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા માસિક
ધર્મ દરમિયાન રાખવાની સ્વચ્છતા, સેનેટરી નેપકીનનો યોગ્ય ઉપયોગ અને હાથ ધોવાની સાચી પદ્ધતિ અંગે
પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પૂર્ણા કીટની મદદથી વિવિધ ફળો અને
શાકભાજીમાં રહેલાં પોષકતત્ત્વો વિશે પણ માહિતી આપવામાં આવી હતી.આરોગ્યલક્ષી
માર્ગદર્શન અંતર્ગત કિશોરીઓને દર મહિને વજન અને ઊંચાઈ માપવા,
BMI તથા હિમોગ્લોબિનની તપાસ કરાવવા, આયર્ન-ફોલિક એસિડની ગોળીઓ લેવા અને
કૃમિનાશક ગોળી અંગેની માહિતી આપવામાં આવી હતી. ધનુરની રસી લેવાનું મહત્વ સમજાવી દર
બુધવારે આયર્નની ગોળી લેવા તેમજ દર શનિવારે આંગણવાડી કેન્દ્રમાં જઈ પૂર્ણા યોજના
હેઠળની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવી હતી.કાર્યક્રમમાં બાળલગ્ન
અટકાવવા, જાતીય
સતામણી સામે જાગૃત રહેવા, ગુડ ટચ-બેડ ટચ ઓળખવા તેમજ ચાઇલ્ડ હેલ્પલાઇન 1098,
મહિલા હેલ્પલાઇન 181
અને ઇમરજન્સી હેલ્પલાઇન 112
અંગે પણ માહિતી આપવામાં આવી
હતી.
કિશોરીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને કારકિર્દી માર્ગદર્શન,
ITIમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમો, મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયાના
ફાયદા-ગેરફાયદા અંગે સમજ આપવામાં આવી હતી. અભ્યાસ અધવચ્ચે છોડી ન દેવા, શિક્ષણ ચાલુ રાખવા, પોતાની સુષુપ્ત શક્તિઓ અને આવડતો
વિકસાવવા તથા આત્મનિર્ભર બની પગભર થવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.શાળા સંચાલકો, કિશોરીઓ અને આંગણવાડી કાર્યકર બહેનોના
સહકારથી બંને દિવસ દરમિયાન યોજાયેલા પૂર્ણા અવેરનેસ કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ
થયા હતા. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ કિશોરીઓને પોષણ, સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ અને સુરક્ષા અંગે જાગૃત કરી
તેમના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ