
ભાવનગર, 21 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગરના ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે વિજયાદશમીના પર્વ નિમિત્તે બજરંગ વિકાસ સમિતિ દ્વારા ‘વિજયાદશમી મહોત્સવ–રાવણ દહન’ કાર્યક્રમ યોજાયો હતો.આ મહોત્સવ સતત ૧૩મા વર્ષે યોજાયો હતો. કાર્યક્રમમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાથનાં વિશાળ પૂતળાંનું દહન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા અને ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી તથા રાજ્યના ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા.
જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વિજયાદશમીનું પર્વ સત્ય અને ધર્મના વિજયનો સંદેશ આપે છે. ભગવાન શ્રીરામના આદર્શોને જીવનમાં ઉતારી અહંકાર, અસત્ય અને અનિષ્ટ વૃત્તિઓનો ત્યાગ કરીને સંસ્કાર, સદાચાર અને રાષ્ટ્રપ્રેમની ભાવના કેળવવી જોઈએ. વિકસિત ભારતના નિર્માણમાં સૌએ યોગદાન આપવું જોઈએ.
નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, વિજયાદશમી અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે. આ પર્વ અહંકારનો ત્યાગ કરીને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. તેમણે મહોત્સરના આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યાં હતાં.
કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, રાવણ દહન સાથે દરેક વ્યક્તિએ પોતાનામાં રહેલા અહંકારરૂપી રાવણનો પણ નાશ કરવાનો સંકલ્પ લેવો જોઈએ.
કાર્યક્રમમાં ભવ્ય આતશબાજી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. મેયર ઉષાબેન તલરેજા, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા, ધારાસભ્યો, કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલ, મ્યુનિસિપલ કમિશનર એન.કે. મીના સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA