પ્રાકૃતિક ખેતીમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ રઘુભા ગોહિલને બેસ્ટ ફાર્મર એવોર્ડ
ભાવનગર, 21 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના કનાડ ગામના પ્રગતિશીલ ખેડૂત અને નિવૃત્ત GAS અધિકારી રઘુભા સબળસિંહ ગોહિલને પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના સમારંભમાં ''બેસ્ટ ફાર્મર એવોર્ડ''થી
ખેડૂત ને સન્માનિત કરવામાં આવ્યા


ભાવનગર, 21 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના કનાડ ગામના પ્રગતિશીલ ખેડૂત અને નિવૃત્ત GAS અધિકારી રઘુભા સબળસિંહ ગોહિલને પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના સમારંભમાં 'બેસ્ટ ફાર્મર એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

રઘુભા ગોહિલે ગુજરાત સરકારમાં Dy. D.D.O. તરીકે સેવા આપી વર્ષ 2018માં નિવૃત્તિ મેળવી હતી. નિવૃત્તિ બાદ તેમણે પોતાના વતન કનાડ ગામમાં વડીલોપાર્જિત જમીન પર પ્રાકૃતિક ખેતી અપનાવી હતી. છેલ્લા છથી સાત વર્ષથી તેઓ સંપૂર્ણપણે પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.

ખેતીની સાથે મૂલ્યવર્ધન ક્ષેત્રે પણ તેમણે નોંધપાત્ર કામગીરી કરી છે. છેલ્લા ચારથી પાંચ વર્ષથી તેઓ પોતાના ખેતરમાં ઉત્પાદિત હળદરમાંથી શુદ્ધ ઓર્ગેનિક પાવડર તૈયાર કરીને તેનું વેચાણ કરી રહ્યા છે. આ રીતે ખેતી સાથે ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરીને આવકની નવી તક ઊભી કરી છે.

હાલમાં તેઓ બાગાયતી ખેતી તરફ આગળ વધી રહ્યા છે. તેમના ખેતરમાં 800 કેસર કેરી, 400 લીંબુ અને 8,000 જામફળનાં વૃક્ષો વાવીને વિશાળ બગીચો તૈયાર કરવામાં આવ્યો છે. આ બગીચા દ્વારા આગામી સમયમાં રસાયણમુક્ત પદ્ધતિથી ઉગાડેલાં તાજાં ફળો લોકોને ઉપલબ્ધ કરાવવાનો તેમનો પ્રયાસ છે.

જમીનની ફળદ્રુપતા જાળવવા, પર્યાવરણનું સંરક્ષણ કરવા અને લોકોના આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા રઘુભા ગોહિલ સતત પ્રયત્નશીલ છે. તેમની કામગીરીથી પ્રેરાઈને સિહોર તાલુકા સહિત ભાવનગર જિલ્લાના અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. તેમનું સન્માન પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રેરણા પૂરું પાડે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande