
ભાવનગર, 21 ઓક્ટોબર (હિ.સ.)જિલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બુટલેગરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા એક ઇસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર દારૂના વ્યવસાયમાં સંડોવાયેલા આરોપી વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા દરખાસ્ત તૈયાર કરી ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર દ્વારા આ દરખાસ્ત મંજૂર કરવામાં આવતાં આરોપી સામે પાસાનું વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું.
આરોપી લલીતભાઈ ઉર્ફે લાલો પરશોતમભાઈ જમોડ (ઉંમર 32 વર્ષ), હાલ ગારીયાધારના પચ્છેગામ રોડ પર ભાડાના મકાનમાં રહેતો હોવાનું અને મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઘોબા પીપરડી ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે પાસા વોરંટની બજવણી કરી આરોપીને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે.
વધુમાં, આરોપી નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025માં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં પણ પકડવાનો બાકી છે. આ અંગે જરૂરી કાર્યવાહી કરવા નવસારી રૂરલ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA