
ગીર સોમનાથ, 21 ઓક્ટોબર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં વર્ષો જૂની પરંપરા મુજબ વિજયાદશમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિજયાદશમી મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ૫૧ ફૂટ ઊંચા રાવણના પૂતળાનું ભવ્ય આતશબાજી સાથે દહન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા, વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક ઝાંખીઓ તથા ડી.જે.ના તાલે શહેરમાં ઉત્સવનો માહોલ છવાયો હતો. જુઓ આ અહેવાલ...
કોડીનારમાં વિજયાદશમી પર્વ નિમિત્તે બપોરે જંગલેશ્વર મંદિરેથી ભગવાન શ્રીરામચંદ્રજીની સવારી સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ શોભાયાત્રામાં વિવિધ મંડળો અને ગ્રૂપ દ્વારા આકર્ષક ફ્લોટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. ધાર્મિક આસ્થા અને સાંસ્કૃતિક પરંપરાના સમન્વય સમાન આ શોભાયાત્રા નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
શોભાયાત્રામાં પ્રભુ શ્રીરામ, રામકથાના લવ-કુશ, રામ દરબાર, શબરી મિલન, બાહુબલી હનુમાન, મહાકાળી માતાજી અને રાક્ષસ વધ જેવા પૌરાણિક પ્રસંગોને જીવંત કરતી ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત અદાલતની ઝાંખી, પરંપરાગત સિંધી દાંડિયા રાસ અને ડાંગલાના લોકનૃત્યને રજૂ કરતા ફ્લોટ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ડી.જે.ના સંગીતના તાલે નીકળેલી શોભાયાત્રામાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.
શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા બાદ શોભાયાત્રા શિંગોડા નદીના પટાંગણમાં પહોંચી હતી. અહીં ભવ્ય આતશબાજી બાદ ૫૧ ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. રાવણ દહનનો નજારો નિહાળવા મોટી સંખ્યામાં નગરજનો અને આસપાસના વિસ્તારના લોકો ઉમટી પડ્યા હતા. અધર્મ પર ધર્મ અને અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમાન આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ઉત્સવમય બન્યું હતું.
કોડીનારમાં વર્ષોથી યોજાતા આ વિજયાદશમી મહોત્સવમાં વિવિધ હિન્દુ સંગઠનો, વેપારીઓ તથા હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા વિજયાદશમી મહોત્સવ સમિતિ અને ભવાની યુવક મંડળના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વહીવટી તંત્ર અને કોડીનાર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો.
આમ, કોડીનારમાં ૫૧ ફૂટના રાવણ દહન, ભવ્ય આતશબાજી અને આકર્ષક ધાર્મિક-સાંસ્કૃતિક ઝાંખીઓ સાથે વિજયાદશમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વર્ષો જૂની આ પરંપરાએ ફરી એકવાર ધાર્મિક આસ્થા, સંસ્કૃતિ અને સામાજિક એકતાનો સંદેશ આપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ