જામનગરમાં ખોદકામ દરમિયાન મળી આવેલ 125 મીટર લાંબા ઐતિહાસિક નેરોગેજ ટ્રેક રેલવે વિભાગને સોંપાશે
જામનગર, 22 ઓક્ટોબર (હિ.સ.) જામનગરના બેડી વિસ્તારમાં આવેલી કાપડ મિલની ચાલીમાં સીસી રોડ બનાવવાની કામગીરી દરમિયાન 125 મીટર લાંબો રાજાશાહી સમયનો નેરોગેજ રેલવે ટ્રેક મળી આવ્યો છે. અચાનક મળી આવેલા આ ઐતિહાસિક ટ્રેકને કારણે છેલ્લા દસ દિવસથી કામગીરી અટક
રાજાશાહી સમયનું જામનગર રેલવે સ્ટેશન


જામનગર, 22 ઓક્ટોબર (હિ.સ.) જામનગરના બેડી વિસ્તારમાં આવેલી કાપડ મિલની ચાલીમાં સીસી રોડ બનાવવાની કામગીરી દરમિયાન 125 મીટર લાંબો રાજાશાહી સમયનો નેરોગેજ રેલવે ટ્રેક મળી આવ્યો છે. અચાનક મળી આવેલા આ ઐતિહાસિક ટ્રેકને કારણે છેલ્લા દસ દિવસથી કામગીરી અટકી પડી હતી. હવે મહાપાલિકા દ્વારા રેલવે તંત્રને આ અંગે જાણ કરવામાં આવતાં રેલવે અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરીને ટ્રેકના પાટા સોંપી દેવા સૂચના આપી છે.

વોર્ડ નંબર-1 માં આવેલા બેડેશ્વરથી બેડી વચ્ચે કાપડ મિલની ચાલી આવેલી છે. તાજેતરમાં ત્યાં કોર્પોરેશનના સિવિલ વિભાગ દ્વારા રોડનું કામ શરૂ કરાયું હતું. ખોદકામ દરમિયાન જમીનમાંથી જૂના પાટા દેખાતાં ઇજનેરોએ તે લાઇન પર આગળ ખોદકામ કરાવ્યું હતું, જેમાં 125 મીટર જેટલો આખો રેલવે ટ્રેક બહાર આવ્યો હતો. આ ટ્રેક જોતાં તે જૂના સમયની નેરોગેજ લાઇન હોવાનું માલૂમ પડ્યું હતું.

આ બાબતે જામનગર મહાનગરપાલિકાના સિવિલ વિભાગ દ્વારા રાજકોટ રેલવે ડિવિઝનને લેખિતમાં જાણ કરવામાં આવી હતી. રાજકોટ ડિવિઝનના ઇજનેરોએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી હતી અને ડેપ્યુટી ઇજનેરના જણાવ્યા મુજબ, રેલવે વિભાગે આ જૂના પાટા કાઢીને જૂના રેલવે સ્ટેશન સામે આવેલી રેલવેની જમીનમાં જમા કરાવી દેવા જણાવ્યું છે. જોકે આ ટ્રેક રાજપરિવારની પ્રાઇવેટ રેલવેનો હોવાથી તેને રેલવે તંત્રને સોંપવા અંગે પ્રશ્ન ઊભો થયો છે.

ઇતિહાસના પુસ્તકો દર્શાવે છે કે હાલારમાં રેલ સેવાનો પ્રારંભ ઈ.સ. 1897માં થયો હતો. ઇતિહાસકાર હરકિશન જોષીના પુસ્તક મુજબ, તત્કાલીન એડમિનિસ્ટ્રેટર કેનેડીના શાસનમાં જામનગર-રાજકોટ લાઇન શરૂ થઈ હતી. ત્યારબાદ 1921માં જામનગર-દ્વારકા, 1938માં જામનગરથી રોઝી બંદર અને 1941માં જામ દિગ્વિજયસિંહજીના સમયમાં હડમતિયા-જોડિયા બંદર સુધી રેલવે લાઇન શરૂ કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande