

પાટણ, 22 ઓક્ટોબર (હિ.સ.)બોરતવાડા હાઇવે પર નર્મદેશ્વર મહાદેવ મંદિર નજીક મીઠા પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. ગુરુવારના રોજ બનેલી આ ઘટનાને પગલે બોરતવાડા ગામમાં છેલ્લા બે દિવસથી પાણી પુરવઠો બંધ છે. જેના કારણે ગ્રામજનોને પીવાના પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાઇપલાઇનમાંથી મોટા પ્રમાણમાં પાણી વહી જતાં પાણીનો બગાડ પણ થયો હતો.
ઘટનાની જાણ પાણી પુરવઠા વિભાગના અધિકારીને થતાં તાત્કાલિક પાઇપલાઇનનો પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. બોરતવાડા પાણી પુરવઠા અધિકારી મોહિતભાઈ ભૂતના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે કોઈ કેબલ કંપની દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન મીઠા પાણીની પાઇપલાઇન તૂટી જતાં પાણીનો વેડફાટ થયો હતો. પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતાં ગામના પાણી પુરવઠા પર અસર પડી છે.
બીજી તરફ, પાઇપલાઇન રોડની બાજુમાં આવેલી હોવાથી ખોદકામને કારણે રસ્તાને પણ નુકસાન પહોંચ્યું છે. આ અંગે પાણી પુરવઠા વિભાગ દ્વારા રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગને જાણ કરવામાં આવી છે. હાલ ગ્રામજનોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પાઇપલાઇનનું સમારકામ કરી પાણી પુરવઠો વહેલી તકે પુનઃ શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનોની અપેક્ષા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ