
રાજકોટ, 22 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ તાલુકાના પાડાસણ ગામે વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતાં પરિવારના ચાર વર્ષના માસૂમ બાળકનું રમતાં-રમતાં ગળામાં અચાનક કશુંક ફસાઈ જવાથી કરૂણ મોત નિપજ્યું છે. બનાવ બાદ બાળકના ગળાના ભાગે કાળું નિશાન જોવા મળતાં તાલુકાની આજીડેમ પોલીસે મોતના સાચા કારણની વિગત મેળવવા મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે. આ આકસ્મિક બનાવથી મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારમાં અરેરાટી સાથે ગમગીની વ્યાપી ગઈ છે.
પાડાસણ ગામે અશોક પટેલની વાડીમાં રહીને ખેતમજૂરી કરતાં મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની રાજેશ દેહડીયાનો ચાર વર્ષનો પુત્ર કાર્તિક ગઈકાલે બપોર પછી વાડીમાં પોતાના છ વર્ષના ફોઈના દીકરા શુભમ સાથે રમી રહ્યો હતો. આ દરમિયાન રમતાં-રમતાં કાર્તિકના ગળામાં અચાનક કશુંક ફસાઈ ગયું હોવાનું જણાતાં તેણે ગભરાઈને સાથે રમી રહેલા ભાઈને જાણ કરી હતી. બનાવ અંગે બાળકે તરત જ પરિજનોને માહિતગાર કર્યા હતા.
બાળકની સ્થિતિ જોઈ પરિજનોએ ગળામાં અટવાયેલી વસ્તુ મોં કે પેટ તરફ જતી રહે તેવા આશયથી ગળાના ભાગે હાથેથી દબાણ આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ દરમિયાન બાળકની તબિયત વધુ લથડી હતી અને તે જોતજોતામાં બેભાન થઈ ઢળી પડ્યો હતો. ગંભીર હાલતમાં બાળકને ત્વરિત સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં પહોંચતા પહેલાં જ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.
બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના સ્ટાફે સ્થળ પર પહોંચી જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. બાળકના ગળા પર કાળું નિશાન જોવા મળતાં મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ કરવા અર્થે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતક બાળક પરિવારમાં એક બહેનથી નાનો અને માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. ગળામાં કઈ વસ્તુ અટકાઈ હતી અને મોતનું પાક્કું કારણ શું છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt