
ભાવનગર, 22 ઓક્ટોબર (હિ.સ.) : ભારતીય સનાતન સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને તીર્થપરંપરાને જોડતી અનોખી ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા ઉપક્રમનો ભાવિક શ્રોતાઓએ લાભ લીધો હતો. મોરારિબાપુ દ્વારા રેલમાર્ગે આયોજિત આ યાત્રામાં સંકીર્તન, સત્સંગ, ભજન અને વિવિધ તીર્થસ્થાનોના દર્શન સાથે ભાવિકોએ આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી.
તા. ૧૦થી ૨૩ ઑક્ટોબર દરમિયાન યોજાયેલી આ યાત્રામાં દેશના વિવિધ રાજ્યોનાં ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતાં સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. યાત્રા દરમિયાન અનેક તીર્થસ્થાનોમાં દર્શન કરવાની સાથે વિવિધ રેલવે સ્ટેશનો પર વિશેષ સત્સંગ, સંકીર્તન અને વાર્તાલાપનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા કેરળના કાલડી, કર્ણાટકના શૃંગેરી અને હમ્પી, મહારાષ્ટ્રના તુલજાપુર, મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઝાંસી, ઉત્તરપ્રદેશના મથુરા, હરિયાણાના કુરુક્ષેત્ર, પંજાબના વાગા-અટારી સીમાક્ષેત્ર તથા જમ્મુના શ્રી રઘુનાથ મંદિર સહિતનાં સ્થળોએ પહોંચી હતી. યાત્રાના અંતિમ ચરણમાં ઉત્તરાખંડના કેદારનાથ ખાતે સમાપન થયું હતું.
આ યાત્રામાં ભાવિક શ્રોતાઓ, ભજન-સંતવાણીના આરાધકો, કથાકારો, સાહિત્યકારો અને કથાપ્રેમીઓ જોડાયા હતા. વિવિધ સ્થળોએ મોરારિબાપુના સાનિધ્યમાં સત્સંગ અને આધ્યાત્મિક સંવાદનો લાભ મેળવી ભાવિકોએ ભક્તિભાવ સાથે યાત્રાની મોજ માણી હતી.
આમ, ‘ભારત સ્વસ્તિક યાત્રા’ સનાતન પરંપરા, ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક ચેતનાને જોડતો અનોખો ઉપક્રમ બની રહી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA