
જામનગર, 22 ઓક્ટોબર (હિ.સ.) :
જામનગરમાં હર્ષિદા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી હર્ષિદા ગરબા મંડળ દ્વારા વર્ષ ૨૦૨૬માં ૫૧ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે શરદ પૂર્ણિમા નિમિત્તે તા. ૨૫ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ ૨૮,૦૦૦ બાળાઓ અને બટુકો માટે ભવ્ય સમૂહ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જામનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ગરબી મંડળો તેમજ શહેરની આશરે ૫૦ જેટલી શાળાઓની બાળાઓ ભાગ લેશે. ધાર્મિક આયોજનના ભાગરૂપે તમામ બાળાઓને લાણી વિતરણ પણ કરવામાં આવશે.
આ ભગીરથ કાર્યની સ્થાપના ૧૫ ઓક્ટોબર ૧૯૭૫ના રોજ માત્ર ૧૧ કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી. પ્રથમ વર્ષે ૧૧ કુમારિકાઓને ભોજન કરાવીને શરૂ થયેલી આ પરંપરા આજે વિશાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. આ વર્ષે આયોજન ખંભાળિયા નાકા બહાર, આર્યસમાજ રોડ પર આવેલા હાલારી ભાનુશાળી જ્ઞાતિ વેજુમાંની વાડી ખાતે રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બાળાઓ ઉપરાંત ગરબી મંડળના સંચાલકો, સેવાભાવી કાર્યકરો અને નાગરિકો મહાપ્રસાદ ગ્રહણ કરશે.
કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે ૬:૦૦ કલાકે કટારીયાવારા વાછરાદાદાની ૫૨ ગજની ધજા ફરકાવીને કરવામાં આવશે. સવારે ૯:૦૦ કલાકે મંગલાચરણ બાદ ૧૦:૩૦ કલાકે ગુજરાતના વિવિધ ધાર્મિક સ્થળોના સંતોનું આગમન થશે. ૧૧:૦૦ કલાકે કચ્છ આશાપુરા માતાજી મંદિરના ગાદીપતિ દ્વારા દીપ પ્રગટાવવામાં આવશે અને ૧૧:૩૦ કલાકે આરતી કરાશે. બપોરે ૧૨:૦૦ કલાકે જુના અખાડા જુનાગઢના મહંત દ્વારા બાળાઓને મહાપ્રસાદ પીરસી કાર્યક્રમની વિધિવત શરૂઆત કરાવવામાં આવશે.
આ વિશાળ આયોજનને સફળ બનાવવા માટે મંડળના ૩૦૦ કાર્યકરો કારસેવા આપશે, જ્યારે ૫૦ જેટલા કાર્યકરો દિવસ-રાત મહેનત કરીને ગરબી મંડળોમાં રૂબરૂ આમંત્રણ આપી રહ્યા છે. બેઠક વ્યવસ્થા અને શિસ્તબદ્ધ કતારો સાથે બાળાઓને કોઈ તકલીફ ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવશે. આ કાર્યક્રમમાં નગરના વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt