રાજકોટમાં કન્સ્ટ્રક્શન ધંધાર્થીને મળેલી ‘વેડિંગ ઇન્વીટેશન’ની એપીકે ફાઈલ ખોલતાં જ ખાતામાંથી રૂ.5.84 લાખ ઉપડી ગયા
રાજકોટ, 22 ઓક્ટોબર (હિ.સ.) : આજના ડિજિટલ યુગમાં વાયરલ થઈ રહેલા સાયબર ફ્રોડથી સાવધાન રહેવું અત્યંત જરૂરી બન્યું છે. ખાસ કરીને દિવાળી પર્વ અને લગ્નસરાની સીઝનમાં મોકલવામાં આવતા ડિજિટલ આમંત્રણ કાર્ડના નામે મોટી ઠગાઈ થઈ રહી છે. રાજકોટમાં આવી જ એક ઘટના સ
સાયબર ફ્રોડ


રાજકોટ, 22 ઓક્ટોબર (હિ.સ.) : આજના ડિજિટલ યુગમાં વાયરલ થઈ રહેલા સાયબર ફ્રોડથી સાવધાન રહેવું અત્યંત જરૂરી બન્યું છે. ખાસ કરીને દિવાળી પર્વ અને લગ્નસરાની સીઝનમાં મોકલવામાં આવતા ડિજિટલ આમંત્રણ કાર્ડના નામે મોટી ઠગાઈ થઈ રહી છે. રાજકોટમાં આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં વોટ્સએપ પર આવેલી ‘વેડિંગ ઇન્વીટેશન’ નામની એપીકે ફાઈલ ડાઉનલોડ કરીને ખોલતાની સાથે જ એક કન્સ્ટ્રક્શન ધંધાર્થીના બેંક એકાઉન્ટમાંથી રૂ.5.84 લાખથી વધુની રકમ ગાયબ થઈ ગઈ હતી.

આ કેસની વિગતો મુજબ, કેનાલ રોડ પર આવેલા હાથીખાના વિસ્તારમાં રહેતા અને જમીન-મકાન તેમજ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા મનીષ મુળજીભાઈ ઢોલરીયાને તેમના મિત્ર વસંતભાઈ લિંબાસિયાના વોટ્સએપ નંબર પરથી એક એપીકે ફાઈલ મળી હતી. આમંત્રણ કાર્ડ સમજીને મનીષભાઈએ ફાઈલ ખોલી પરંતુ તેમાં માત્ર કોડિંગ આંકડાઓ જ દેખાતા હોવાથી તેમણે તુરંત તે બંધ કરી ડિલીટ કરી નાખી હતી. શરૂઆતમાં તેમને કોઈ શંકા ગઈ ન હતી, પરંતુ થોડા સમય બાદ તેમના ખ્યાલમાં આવ્યું કે આ એક સુઆયોજિત સાયબર કાવતરું હતું.

ગત 13 સપ્ટેમ્બરના રોજ મનીષભાઈના ફોન પર બેંક એકાઉન્ટમાંથી નાણાં ઉપડી ગયા હોવાના મેસેજ આવવા લાગ્યા હતા. તેમની જાણ કે મંજૂરી વગર અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ.5,84,999 જેટલી રકમ અજાણ્યા ખાતામાં ટ્રાન્સફર થઈ ગઈ હતી. આ અંગે તેમણે ફાઈલ મોકલનાર મિત્ર વસંતભાઈનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે તેમનો મોબાઈલ ફોન હેક થઈ ગયો હતો અને તમામ વોટ્સએપ કોન્ટેક્ટ્સમાં આ એપીકે ફાઈલ ઓટોમેટિક સેન્ડ થઈ ગઈ હતી, જે અંગે તેમણે પણ સાયબર પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી.

પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ મનીષભાઈએ વિલંબ કર્યા વગર ગઈકાલે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરી તાત્કાલિક ફરિયાદ દર્જ કરાવી હતી. આ બનાવ સંદર્ભે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે ડીસીબી બેંકના એકાઉન્ટ ધારક સહિતના શંકાસ્પદ આરોપીઓ સામે આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હાલમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.ડી. ફૂલતરીયા અને તેમની ટીમે આ રેકેટમાં સંકળાયેલા સાયબર માફિયાઓને પકડી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે નાગરિકોને અજાણ્યા નંબર કે અનધિકૃત સ્ત્રોત તરફથી આવતી કોઈપણ એપીકે ફાઈલ કે શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવા અને સાવચેત રહેવા અપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande