
પોરબંદર , 22 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર જિલ્લામાં ભાદરવા મહિના બાદ આસો મહિનામાં પણ આકરો તાપ જોવા મળી રહ્યો
છે.દિવસ દરમિયાન કાળઝાળ ગરમીનો અહેસાસ થાય છે, જ્યારે રાત્રિના સમયે વાતાવરણમાં ઠંડક અનુભવાય છે. દિવસની ગરમી અને રાતની ઠંડક વચ્ચેના આ ફેરફારથી લોકોના આરોગ્ય
પર અસર થવાની ચિંતા વધી છે. શરદી, ઉધરસ, ગળામાં બળતરા અને થાક જેવી તકલીફો થી બચવા નાગરિકોએ સાવચેતી રાખવી જરૂરી બની છે.ભારતીય હવામાન વિભાગના પોરબંદર
કેન્દ્રના આંકડા મુજબ, ઓક્ટોબમાં મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2 ડિગ્રી વધુ હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 25.3 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 3.1 ડિગ્રી વધારે હતું. વિભાગની 18 થી 24 ઓક્ટોબર સુધીની
આગાહી મુજબ દિવસનું મહત્તમ તાપમાન 36 થી 37 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી હતી.બપોરના સમયે તડકો આકરો હોવાથી બિનજરૂરી રીતે બહાર નીકળવાનું ટાળવું, પૂરતું પાણી પીવું અને હળવો ખોરાક લેવો હિતાવહ છે. રાત્રે
ઠંડક અનુભવાતી હોવાથી શરીરને અનુકૂળ કપડાં પહેરવા અને તાપમાનના ફેરફારથી બચવું
જરૂરી છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને પહેલેથી આરોગ્યની તકલીફ ધરાવતા લોકોએ વધુ કાળજી રાખવી જોઈએ. આસો મહિનામાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેતાં પોરબંદર વાસીઓ માટે ઋતુના બદલાતા મિજાજ સાથે આરોગ્યની
કાળજીરાખવી જરૂરી બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya