જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ.૭૧.૬૮ કરોડના વિવિધ વિકાસકામોને લીલીઝંડી
જામનગર, 22 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ માટે ₹૭૧.૬૮ કરોડના વિવિધ વિકાસકામોના ખર્ચને લીલીઝંડી આપવામાં આવી છે. આ બેઠકમાં ખાસ કરીને ગુલાબનગર વિસ્તારના રસ્તાઓ, આરોગ્ય વિષયક સુવિધાઓ, સોલિડ વેસ્ટ
કોર્પોરેશન


જામનગર, 22 ઓક્ટોબર (હિ.સ.) :

જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ માટે ₹૭૧.૬૮ કરોડના વિવિધ વિકાસકામોના ખર્ચને લીલીઝંડી આપવામાં આવી છે. આ બેઠકમાં ખાસ કરીને ગુલાબનગર વિસ્તારના રસ્તાઓ, આરોગ્ય વિષયક સુવિધાઓ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સલામતી વ્યવસ્થા તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળના આઉટ ગ્રોથ વિસ્તારના વિકાસકીય કાર્યોને આવરી લેતી મહત્વની દરખાસ્તો પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.

સ્થાયી સમિતિની આ બેઠકમાં ટ્રાફિક અને રસ્તાની સુવિધા સુધારવા માટે ગુલાબનગર ઓવરબ્રિજથી ધુંવાવ સુધી ૪૫ મીટર પહોળો ટીપીડીપી રોડ તથા સુભાષ બ્રિજથી ગુલાબનગર ઓવરબ્રિજ સુધીનો ૩૦ મીટર પહોળો ડીપી રોડ બનાવવાની દરખાસ્તનો સૈદ્ધાંતિક સ્વીકાર કરાયો હતો. આ ઉપરાંત શહેરના જુદા જુદા વોર્ડ જેવા કે વોર્ડ નંબર ૧, ૨, ૩, ૪, ૬, ૭, ૮, ૧૦, ૧૧, ૧૨, ૧૫ અને ૧૬માં મેટલ, મોરમ અને ગ્રીડ સપ્લાયના રોડકામો માટેની રકમ મંજૂર કરવામાં આવી હતી.

આરોગ્ય સુવિધાઓ સુદ્રઢ કરવાના ભાગરૂપે શહેરમાં આવેલા ૩ અર્બન આરોગ્ય કેન્દ્રો માટે ₹૧.૯૯ કરોડના ખર્ચે જરૂરી સાધનોની ખરીદી સ્વભંડોળમાંથી કરવા મંજૂરી અપાઈ છે. આ સાથે જ આ આરોગ્ય કેન્દ્રો માટે ઓટોમેટિક બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર ખરીદવા ₹૧૪.૬૪ લાખ મંજૂર કરાયા હતા. વધુમાં, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બાયલોઝ અન્વયેની તાકીદની દરખાસ્ત ભલામણ સાથે જનરલ બોર્ડમાં મૂકવાનું ઠરાવાયું હતું, જ્યારે પ્રિન્ટિંગ કામના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં ₹૧૦ લાખનો વધારાનો ખર્ચ મંજૂર કરાયો હતો.

મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી ભવન ખાતે ભૂતપૂર્વ સૈનિકોની સેવાઓની મુદ્દત લંબાવીને ₹૧૧.૧૨ લાખના વધારાના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ હેઠળ આઉટ ગ્રોથ વિસ્તારમાં ₹૬૯ કરોડના કામોનો સ્વીકાર કરાયો હતો. વોર્ડ નં. ૧૨માં શાળાની ઇમારત અને વોર્ડ નં. ૧૩માં આરોગ્ય કેન્દ્રની ઇમારતનું ડીમોલિશન કરી ₹૪.૫ લાખની આવક મેળવવાનું નક્કી કરાયું હતું, જ્યારે ફોટોગ્રાફી-વીડિયોગ્રાફીના ખર્ચ અને વોર્ડ નં. ૧૫ના સીસી રોડની દરખાસ્ત નામંજૂર કરાઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande