ભુજ નગરપાલિકામાં જન્મ-મરણના દાખલામાં ચેડાંનું કથિત કૌભાંડ! ચીફ ઓફિસરની ડિજિટલ સહીનો દુરુપયોગ, બે કર્મચારી સસ્પેન્ડ
રાજકીય અગ્રણીઓ સાથેના કથિત સંબંધોને લઈને ચર્ચા તેજ, કેટલા દાખલામાં ગેરકાયદેસર ફેરફાર થયા તેની તપાસ શરૂ; પોલીસ ફરિયાદ નોંધાવવા પાલિકા તંત્રની કવાયત કચ્છ, 22 ઓક્ટોબર (હિ.સ.) : ભુજ નગરપાલિકાની જન્મ-મરણ શાખામાં દાખલાઓમાં ગેરકાયદેસર સુધારા-વધારા કરવાના
ભુજ નગરપાલિકામાં જન્મ-મરણના દાખલામાં ચેડાંનું કથિત કૌભાંડ! ચીફ ઓફિસરની ડિજિટલ સહીનો દુરુપયોગ, બે કર્મચારી સસ્પેન્ડ


રાજકીય અગ્રણીઓ સાથેના કથિત સંબંધોને લઈને ચર્ચા તેજ, કેટલા દાખલામાં ગેરકાયદેસર ફેરફાર થયા તેની તપાસ શરૂ; પોલીસ ફરિયાદ નોંધાવવા પાલિકા તંત્રની કવાયત

કચ્છ, 22 ઓક્ટોબર (હિ.સ.) : ભુજ નગરપાલિકાની જન્મ-મરણ શાખામાં દાખલાઓમાં ગેરકાયદેસર સુધારા-વધારા કરવાના કથિત કૌભાંડનો મામલો સામે આવતાં પાલિકાના વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ચીફ ઓફિસરની ડિજિટલ સહીનો દુરુપયોગ કરીને જન્મ અને મરણના દાખલાઓમાં ફેરફાર કરવામાં આવ્યા હોવાના આક્ષેપો બાદ સમગ્ર મામલો ગંભીર બન્યો છે. પ્રાથમિક કાર્યવાહી રૂપે નગરપાલિકા દ્વારા બે હંગામી કોમ્પ્યુટર ઓપરેટરો સામે પગલાં લેવામાં આવ્યાં છે, જ્યારે હવે આ પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

મળતી વિગતો અનુસાર, ભુજ નગરપાલિકાની જન્મ-મરણ શાખામાં સરકારી રેકોર્ડ સાથે ચેડાં થયાં હોવાની બાબત સામે આવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. ચીફ ઓફિસરની ડિજિટલ સહીનો ઉપયોગ કરીને દાખલાઓમાં નિયમવિરુદ્ધ ફેરફાર કરવામાં આવ્યા હોવાના આક્ષેપોને પગલે કોમ્પ્યુટર ઓપરેટર રેહાન માજોઠી અને વિનય મહેતાને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. જોકે, આ કાર્યવાહી બાદ પણ સમગ્ર પ્રકરણના મૂળ સુધી પહોંચવા અને અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે જાણવા તપાસ જરૂરી બની છે.

આ મામલે શરૂઆતમાં માત્ર કર્મચારીઓને સસ્પેન્ડ કરીને કાર્યવાહી પૂર્ણ કરવાનો પ્રયાસ થયો હોવાની ચર્ચા પણ ઊઠી હતી. કથિત કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવનાર કર્મચારીનો ભુજના એક રાજકીય અગ્રણીના પરિવારના સભ્ય સાથે સંબંધ હોવાનો આક્ષેપ થતાં વિવાદ વધુ વકર્યો છે. જોકે, આ સંબંધો અને કથિત સંડોવણી અંગેની બાબતોની સત્તાવાર તપાસથી જ ખરાઈ થઈ શકશે.

વિવાદ ઉચ્ચકક્ષાએ પહોંચ્યા બાદ ચીફ ઓફિસર દ્વારા ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે લેખિત અરજી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. હવે આ અરજીના આધારે પોલીસ ફરિયાદ નોંધવાની દિશામાં કાર્યવાહી ચાલી રહી છે. તપાસ દરમિયાન કેટલા જન્મ-મરણના દાખલાઓમાં ફેરફાર કરવામાં આવ્યા, કયા સમયગાળામાં આ પ્રવૃત્તિ થઈ અને ડિજિટલ સહીનો ઉપયોગ કેવી રીતે થયો તે સહિતના સવાલોના જવાબ મેળવવાના રહેશે.

નગરપાલિકાના મહત્વપૂર્ણ દસ્તાવેજોની વિશ્વસનીયતા સાથે જોડાયેલા આ પ્રકરણમાં તપાસ આગળ વધતાં નવા તથ્યો બહાર આવે તેવી શક્યતા છે. હવે પોલીસ તપાસમાં કથિત કૌભાંડની હકીકત, જવાબદારોની ભૂમિકા અને અન્ય કોઈની સંડોવણી અંગે શું ખુલાસા થાય છે તેના પર સૌની નજર મંડાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande