

સિરાચા-નવીનાળ માર્ગ પર બડબ્રહ્માણી રેલવે ફાટક નજીક દુર્ઘટના; ત્રણ પ્રસૂતા ગાયોનો પણ ભોગ લેવાયો હોવાનો પશુમાલિકનો દાવો, ઇજાગ્રસ્ત પશુઓને સારવાર માટે ખસેડાયાં
કચ્છ, 22 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છના મુન્દ્રા તાલુકામાં રેલવે ટ્રેકની આસપાસ સુરક્ષાના અભાવે પશુધન માટે જોખમ ઊભું થઈ રહ્યું હોવાની ચિંતા વચ્ચે સિરાચા અને નવીનાળ માર્ગ પર આવેલા બડબ્રહ્માણી રેલવે ફાટક નજીક માલગાડીની અડફેટે 13 પશુઓનાં મોતની કરુણ ઘટના સામે આવી છે.
આ દુર્ઘટનાને પગલે સ્થાનિક માલધારીઓમાં ભારે રોષ ફેલાયો છે, જ્યારે જીવદયાપ્રેમીઓમાં પણ શોક અને કચવાટની લાગણી જોવા મળી રહી છે. રેલવે ટ્રેકની બંને બાજુ સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માગ હવે પ્રબળ બની છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, બડબ્રહ્માણી રેલવે ફાટક નજીકથી પસાર થતી માલગાડીની અડફેટે પશુધન આવી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કુલ 13 પશુઓનાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક યુવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્ત પશુઓને બચાવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા બે ગૌવંશને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક ગૌરક્ષા સેવા ટ્રસ્ટ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં, જેથી તેમને જરૂરી સારવાર મળી શકે.
પશુધનના માલિક પ્રવીણભાઈ જેસાણીએ આ ઘટનામાં મૃત્યુ પામેલા 13 પશુઓમાં ત્રણ પ્રસૂતા ગાયોનો પણ સમાવેશ થતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, રેલવે ટ્રેકની આસપાસ ખુલ્લી જગ્યા અને ફેન્સિંગના અભાવને કારણે પશુઓ ટ્રેક પર પહોંચી જતાં આવી દુર્ઘટના સર્જાવાની શક્યતા વધી જાય છે. માલગાડીનું અચાનક વાગેલું ભારે હોર્ન સાંભળીને ગભરાયેલું પશુધન ટ્રેક પર ચડી ગયું હોવાની પણ તેમણે વાત જણાવી હતી. માલગાડીની ગતિ અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી.
આ ઘટનાએ રેલવેની સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. ગ્રામ્ય વિસ્તારો અને પશુધનની અવરજવર ધરાવતા માર્ગો નજીકથી પસાર થતા રેલવે ટ્રેક પર સુરક્ષાનાં પૂરતાં પગલાં લેવાં જરૂરી હોવાનું માલધારીઓ માની રહ્યા છે.
સ્થાનિક માલધારી સમાજે રેલવે તંત્રને ટ્રેકની
બંને બાજુ મજબૂત ફેન્સિંગ ઊભી કરવા, સંવેદનશીલ સ્થળોની ઓળખ કરીને વધારાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા અને આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા અસરકારક પગલાં ભરવા અપીલ કરી છે. હવે રેલવે તંત્ર આ ગંભીર મુદ્દે કેવો પ્રતિસાદ આપે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar