
એનઆરએલએમ યોજના હેઠળ પાંચ દિવસીય પ્રેરણા પ્રવાસનું આયોજન, દૂધના મૂલ્યવર્ધનથી લઈને વૈજ્ઞાનિક પશુપાલન પદ્ધતિઓ સુધી નિષ્ણાતોએ આપ્યું માર્ગદર્શન
કચ્છ, 22 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં પશુપાલન સાથે સંકળાયેલી મહિલાઓને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવા અને તેમની આજીવિકાની તકોમાં વધારો કરવાના હેતુથી બનાસ ડેરી ખાતે પાંચ દિવસીય પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. એનઆરએલએમ યોજના અંતર્ગત યોજાયેલા આ પ્રવાસમાં સ્વ-સહાય જૂથો સાથે જોડાયેલી મહિલા પશુપાલકોએ ભાગ લઈને આધુનિક ડેરી વ્યવસાય, દૂધની પ્રક્રિયા, પશુપાલન વ્યવસ્થાપન અને કૃષિ આધારિત વિવિધ આવકવર્ધક પ્રવૃત્તિઓ વિશે પ્રત્યક્ષ જાણકારી મેળવી હતી. આ પ્રવાસ મહિલાઓ માટે માત્ર શૈક્ષણિક મુલાકાત જ નહીં, પરંતુ પોતાના વ્યવસાયને નવી દિશા આપવાની તક પણ બની રહ્યો હતો.
પ્રવાસ દરમિયાન મહિલાઓએ બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટની મુલાકાત લઈને દૂધ એકત્રિત કરવાની પ્રક્રિયાથી માંડીને તેના પ્રોસેસિંગ, ગુણવત્તા જાળવણી અને દૂધમાંથી વિવિધ ઉત્પાદનો તૈયાર કરવાની કામગીરી વિશે સમજ મેળવી હતી. ડેરી ઉદ્યોગમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, વ્યવસ્થિત સંચાલન અને દૂધના મૂલ્યવર્ધન દ્વારા આવક વધારવાની શક્યતાઓ અંગે નિષ્ણાતોએ મહિલાઓને માર્ગદર્શન આપ્યું હતું. પરંપરાગત પશુપાલનને વ્યવસાયિક અભિગમ સાથે જોડીને વધુ લાભદાયી કેવી રીતે બનાવી શકાય તે અંગે પણ જાણકારી આપવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખના માર્ગદર્શન હેઠળ આ પ્રવાસ દરમિયાન દાંતીવાડા સ્થિત કૃષિ યુનિવર્સિટી અને વિવિધ ઓર્ગેનિક ફાર્મની પણ મુલાકાત લેવામાં આવી હતી. અહીં મહિલાઓએ કૃષિ અને પશુપાલન ક્ષેત્રે અપનાવવામાં આવતી વૈજ્ઞાનિક પદ્ધતિઓ, જૈવિક ખેતી, સંસાધનોના યોગ્ય ઉપયોગ તથા ખેતી સાથે સંકળાયેલી પૂરક પ્રવૃત્તિઓ વિશે નિષ્ણાતો પાસેથી માહિતી મેળવી હતી.
આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને માત્ર પશુપાલન પૂરતું સીમિત ન રાખતાં તેમને સ્વરોજગાર અને ઉદ્યોગસાહસિકતા તરફ પ્રોત્સાહિત કરવાનો હતો. સ્વ-સહાય જૂથો દ્વારા સામૂહિક રીતે કાર્ય કરીને ઉત્પાદન, વ્યવસ્થાપન અને બજાર સાથે જોડાણની તકો વિકસાવી શકાય તે અંગે પણ મહિલાઓને નવી સમજ મળી હતી.
આવી પહેલથી કચ્છની મહિલા પશુપાલકોમાં આત્મવિશ્વાસ વધવાની સાથે પોતાના વ્યવસાયમાં નવીન પદ્ધતિઓ અપનાવવાની પ્રેરણા મળશે. આધુનિક જ્ઞાન અને વ્યવહારુ અનુભવના સમન્વયથી મહિલાઓ પશુપાલન તથા કૃષિ આધારિત પ્રવૃત્તિઓને વધુ નફાકારક બનાવી પરિવારની આવક વધારવા અને ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar