રાપરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ગેરકાયદે જથ્થા પર પાલિકાનો સપાટો! બે ટ્રેક્ટર ભરીને માલ જપ્ત
સલારી નાકા પાસેના ગોડાઉન પર દરોડો, રૂ.4થી 5 લાખનો પ્લાસ્ટિકનો જથ્થો મળ્યો; માલ બહાર કાઢવામાં જ ત્રણ કલાક લાગ્યા કચ્છ, 22 ઓક્ટોબર (હિ.સ.) : રાપર શહેરમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના સંગ્રહ અને વેચાણ સામે રાપર નગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરતાં
રાપરમાં પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો


સલારી નાકા પાસેના ગોડાઉન પર દરોડો, રૂ.4થી 5 લાખનો પ્લાસ્ટિકનો જથ્થો મળ્યો; માલ બહાર કાઢવામાં જ ત્રણ કલાક લાગ્યા

કચ્છ, 22 ઓક્ટોબર (હિ.સ.) : રાપર શહેરમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના સંગ્રહ અને વેચાણ સામે રાપર નગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરતાં વેપારી વર્ગમાં ફફડાટ ફેલાયો છે. શહેરના સલારી નાકા નજીક આવેલા એક ગોડાઉનમાં દરોડો પાડીને પાલિકાની ટીમે અંદાજે રૂ. 4થી 5 લાખની કિંમતનો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો હતો. જથ્થો એટલો મોટો હતો કે તેને ગોડાઉનમાંથી બહાર કાઢીને ભરવામાં જ લગભગ ત્રણ કલાકનો સમય લાગ્યો હતો. સમગ્ર માલસામાન લઈ જવા માટે બે ટ્રેક્ટરની મદદ લેવી પડી હતી. પાલિકાની આ કાર્યવાહીથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો સંગ્રહ અને વેચાણ કરતા લોકોમાં ચકચાર મચી ગઈ છે.

પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા અને સરકારી નિયમોનું પાલન કરાવવા રાપર નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પાલિકાએ અગાઉ શહેરના વેપારીઓને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો સંગ્રહ નહીં કરવા તેમજ તેનું વેચાણ બંધ કરવા અપીલ કરી હતી. તેમ છતાં નિયમોના ભંગની આશંકાને પગલે છેલ્લા 15 દિવસથી વિવિધ સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે અને નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ અભિયાન દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે સલારી નાકા પાસે આવેલા અર્બુદા ટ્રેડર્સના ગોડાઉન પર દરોડો પાડવામાં આવ્યો હતો. પાલિકાની ટીમે સ્થળ પર તપાસ કરતાં મોટી માત્રામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો. ગોડાઉનમાં સંગ્રહિત માલની વિશાળ માત્રા જોઈને અધિકારીઓ અને કર્મચારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યારબાદ જથ્થાને બહાર કાઢીને જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માલની હેરફેર માટે બે ટ્રેક્ટર બોલાવવાની ફરજ પડી હતી અને સમગ્ર પ્રક્રિયામાં આશરે ત્રણ કલાકનો સમય લાગ્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન અર્બુદા ટ્રેડર્સ સાથે સંકળાયેલા હરેશ દાના ચૌધરીને સ્થળ પર જ રૂ. 5,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. પાલિકાની આ ઝુંબેશમાં ઈજનેર આશિષ ગોસ્વામી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

રાપર નગરપાલિકાની આ કાર્યવાહીથી શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ સામે કડક સંદેશ પહોંચ્યો છે. હવે આગામી દિવસોમાં પણ તપાસ અને દંડાત્મક કાર્યવાહી ચાલુ રહે છે કે કેમ તેના પર વેપારીઓની નજર રહેશે. નોંધનીય છે કે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે નાગરિકો અને વેપારીઓનો સહકાર પણ એટલો જ જરૂરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande