
ઘાણીપાસા વડે જુગાર રમતા હોવાની બાતમીના આધારે દરોડો; રોકડ, 9 મોબાઈલ અને 2 ઘાણીપાસા સહિતનો સામાન જપ્ત
કચ્છ, 22 ઓક્ટોબર (હિ.સ.) પૂર્વ કચ્છના ગાંધીધામ તાલુકાના શિણાઈ ગામમાં ઘાણીપાસા વડે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે આદિપુર પોલીસે કાર્યવાહી કરી છ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસની આ કાર્યવાહીમાં રોકડ રકમ, મોબાઈલ ફોન અને જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતા ઘાણીપાસા સહિત કુલ ₹72,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની સત્તાવાર વિગતો અનુસાર, આદિપુર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. કરંગીયાની સૂચના મુજબ પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે શિણાઈ ગામના ચોકમાં આવેલી ખુલ્લી જગ્યાએ દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, સ્થળ પર ઘાણીપાસા વડે જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
આ કાર્યવાહી દરમિયાન અંતરજાળ વિસ્તારમાં રામમંદિર પાસે રહેતા અસગર તૈયબ બાપડા, શિણાઈના કિશોર જયંતીલાલ બલદાણીયા, સુરેશ પેથાભાઈ વાઘમશી, ગાંધીધામના વોર્ડ નંબર 4/બીમાં રહેતા 4ય ગોપાલ છગનભાઈ સોરઠીયા, છવાડી વિસ્તારના અશોક રેવાચંદ સિંગાણી અને શિણાઈના સુથાર ફળિયામાં રહેતા વિનય માવજીભાઈ હડીયાનો સમાવેશ થાય છે.
પોલીસે સ્થળ પરથી ₹31,200 રોકડા, બે ઘાણીપાસા અને નવ મોબાઈલ ફોન, જેની કિંમત ₹41,000 દર્શાવવામાં આવી છે, કબજે કર્યા હતા. આમ, કુલ ₹72,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ મામલે આદિપુર પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. કરંગીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર આર.એમ. ડુવા અને આદિપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar