
એસઓજી ગાંધીધામની કાર્યવાહી, ગાંજો, બે મોબાઈલ અને રોકડ સહિત રૂ. 1.07 લાખનો મુદ્દામાલ જપ્ત
કચ્છ, 22 ઓક્ટોબર (હિ.સ.) : પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેઈન’ અંતર્ગત એસઓજી ગાંધીધામને વધુ એક સફળતા મળી છે. અંજાર તાલુકામાં ઓમનગરથી મીઠીરોહર તરફ જતા માર્ગ પર ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપી પાસેથી કુલ રૂ. 1,07,190ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સરહદી રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા જિલ્લામાં માદક પદાર્થોના સેવન, ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણની પ્રવૃત્તિઓને અટકાવવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા બાતમીદારો મારફતે માહિતી એકત્રિત કરવામાં આવી રહી હતી.
આ દરમિયાન એસઓજીના એએસઆઈ આશિષભાઈ મહેન્દ્રરાય ભટ્ટ અને પોલીસ કોન્સ્ટેબલ ગુલાબસિંહ બનેસિંહ જાડેજાને બાતમી મળી હતી કે વર્ષામેડી ખાતે રહેતો એક શખ્સ ગાંજાનો જથ્થો લઈને ઓમનગરથી મીઠીરોહર તરફ જતા માર્ગ પર છૂટક ગ્રાહકોને વેચાણ કરવા આવવાનો છે. મળેલી માહિતીના આધારે પોલીસ ટીમે પંચોને સાથે રાખીને બાતમીવાળા સ્થળે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન શંકાસ્પદ હિલચાલ ધરાવતા અને બાતમીમાં જણાવેલા વર્ણન સાથે મેળ ખાતા શખ્સને અટકાવી તેની તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન આરોપી રણજીત જાગરૂપ યાદવ (ઉંમર 37 વર્ષ), મૂળ રહેવાસી બિહાર અને હાલે સિધેશ્વરીનગર, શાંતિધામ, વર્ષામેડી, તાલુકો અંજાર ખાતે રહેતો હોવાનું સામે આવ્યું હતું. તેની પાસે રહેલી સિલ્વર-ગ્રે રંગની પ્લાસ્ટિકની થેલીમાંથી 1.963 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 98,150 આંકવામાં આવી છે.
પોલીસે ગાંજાની સાથે બે મોબાઈલ ફોન, રૂ. 3,040 રોકડા તથા આધારકાર્ડ, પાનકાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત કુલ રૂ. 1,07,190નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ-1985 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી માટે તેને અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહી એસઓજી ગાંધીધામની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar