ખેતરમાં પ્રેક્ટિસ કરી રાકેશ ભટ્ટીએ એશિયન પેરા ગેમ્સમાં જીત્યો બ્રોન્ઝ મેડલ
ભાવનગર, 22 ઓક્ટોબર (હિ.સ.) : ગ્રામ્ય વિસ્તારોમાં પ્રતિભાની કોઈ કમી નથી, જેનું ઉત્તમ ઉદાહરણ તળાજા તાલુકાના મોટી બાબરિયાત ગામના ખેડૂત પુત્ર રાકેશભાઈ ભટ્ટીએ પૂરું પાડ્યું છે. જાપાનના આઈચી-નાગોયા ખાતે યોજાયેલી પાંચમી એશિયન પેરા ગેમ્સ-2026માં તેમણે 100
મેડલ મેળવનાર યુવક


ભાવનગર, 22 ઓક્ટોબર (હિ.સ.) : ગ્રામ્ય વિસ્તારોમાં પ્રતિભાની કોઈ કમી નથી, જેનું ઉત્તમ ઉદાહરણ તળાજા તાલુકાના મોટી બાબરિયાત ગામના ખેડૂત પુત્ર રાકેશભાઈ ભટ્ટીએ પૂરું પાડ્યું છે. જાપાનના આઈચી-નાગોયા ખાતે યોજાયેલી પાંચમી એશિયન પેરા ગેમ્સ-2026માં તેમણે 100 મીટર T37 દોડ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા રાકેશભાઈના પિતા ખેતીકામ સાથે સંકળાયેલા છે. મર્યાદિત સુવિધાઓ વચ્ચે પણ રાકેશભાઈએ રમતગમત પ્રત્યેનો જુસ્સો જાળવી રાખ્યો છે. તેમણે અનેક વખત પોતાના જ ખેતરમાં દોડની પ્રેક્ટિસ કરીને લક્ષ્ય તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું.

રાકેશભાઈ દરરોજ અંદાજે પાંચથી છ કલાક દોડની પ્રેક્ટિસ કરે છે. નિયમિત તાલીમ, શિસ્ત, સખત મહેનત અને દૃઢ મનોબળના સહારે તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં સફળતા મેળવી છે. તેમની આ સિદ્ધિ દર્શાવે છે કે મર્યાદિત સંસાધનો હોવા છતાં સતત પ્રયત્નો અને લક્ષ્ય પ્રત્યેની નિષ્ઠાથી સફળતા પ્રાપ્ત કરી શકાય છે.

રાકેશભાઈની આ સિદ્ધિ મોટી બાબરિયાત ગામ અને તળાજા તાલુકા માટે ગૌરવની ક્ષણ છે. તેમની સફળતા રમતગમતમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા ગ્રામ્ય વિસ્તારના યુવાનો માટે પ્રેરણારૂપ બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande