બંગાળ: દત્તપુકુર ખાતે કારમાંથી વિસ્ફોટક અને પ્રતિબંધિત રસાયણો મળી આવ્યા, એનઆઇએ-એનએસજીના દરોડામાં એકની ધરપકડ.
કોલકાતા,નવી દિલ્હી, 22 ઓક્ટોબર (હિ.સ.) પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના દત્તપુકુર ખાતે એક કારમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક અને કેટલાક પ્રતિબંધિત રસાયણો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. બુધવારે રાત્રે બનેલી આ ઘટના બાદ પોલીસે, રાષ્ટ્રીય તપાસ એજન્સી
વિસ્ફોટક


કોલકાતા,નવી દિલ્હી, 22 ઓક્ટોબર (હિ.સ.) પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના દત્તપુકુર ખાતે એક કારમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક અને કેટલાક પ્રતિબંધિત રસાયણો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. બુધવારે રાત્રે બનેલી આ ઘટના બાદ પોલીસે, રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ), રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (એનએસજી) અને ફોરેન્સિક ટીમે વિસ્તારમાં સઘન તલાશી અભિયાન શરૂ કરી દીધું છે. તપાસ એજન્સીઓ આ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે, ક્યાંક આ વિસ્ફોટકોનો ઉપયોગ કોઈ મોટા આતંકી ષડયંત્રને અંજામ આપવા માટે તો નહોતો થવાનો. આ સંબંધમાં પોલીસે એક સ્થાનિક બાઇક શોરૂમના માલિક રકીબુલ ઇસ્લામની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી દીધી છે.

પોલીસ અને એસટીએફ (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ)ના સૂત્રો અનુસાર, દત્તપુકુરના તેતુલતલા વિસ્તારમાં એક શંકાસ્પદ કાર વિશે અગાઉથી જ ગુપ્ત માહિતી મળી હતી. આ પાકી માહિતીના આધારે તપાસ એજન્સીઓએ કાર પર ગુપ્ત રીતે નજર રાખવાનું શરૂ કરી દીધું હતું. બુધવારે રાત્રે આખરે કારને રોકીને તેના માલિક રકીબુલને અટકાયતમાં લેવામાં આવ્યો અને પૂછપરછ કરવામાં આવી. તપાસકર્તાઓનું અનુમાન છે કે કારમાં રાખેલા વિસ્ફોટક અને પ્રતિબંધિત રસાયણોને કોલકાતા લઈ જવાની યોજના હતી. જોકે, આને કોલકાતામાં કઈ જગ્યાએ અને કયા હેતુથી લઈ જવામાં આવી રહ્યા હતા અને આ નેટવર્કમાં બીજા કયા લોકો સામેલ છે, તે હજુ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ શક્યું નથી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, કારમાંથી મળી આવેલી સામગ્રીમાં વિસ્ફોટક જેવી શંકાસ્પદ વસ્તુઓ અને લોખંડની જાળીઓ વગેરે સામેલ છે. આ વિસ્ફોટકોની ક્ષમતાનો ચોક્કસ ખ્યાલ મેળવવા માટે ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. NIA ધરપકડ કરાયેલા આરોપી રકીબુલને ગુરુવારે કોર્ટમાં રજૂ કરીને પૂછપરછ માટે પોતાની કસ્ટડી (રિમાન્ડ)માં લેવાની માંગ કરી શકે છે. આ સમગ્ર ઘટનાક્રમ પર બારાસાત પોલીસ જિલ્લાના પોલીસ અધિક્ષક (એસપી) એમ. મર્સીએ જણાવ્યું કે, કેસની સઘન તપાસ ચાલી રહી છે અને આ કયા પ્રકારનો વિસ્ફોટક છે, તેનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેમણે પુષ્ટિ કરી કે મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તપાસ આગળ વધતા જ સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ શકશે.

ધરપકડ કરાયેલા આરોપી રકીબુલની પૃષ્ઠભૂમિ વિશે માહિતી મળી છે કે, તેણે લગભગ 10 વર્ષ પહેલા કાર રિપેરિંગનું કામ છોડીને બાઇકનો શોરૂમ ખોલ્યો હતો. હાલમાં દત્તપુકુરના તેતુલતલા, બીડા અને દેગંગાના બેડાચાંપા સહિતના વિવિધ વિસ્તારોમાં તેના 4 મોટા બાઇક શોરૂમ છે.

સૂત્રોનો દાવો છે કે, કેટલાક વર્ષો પહેલા આમડાંગા સ્થિત એક બાઇક શોરૂમમાં પણ રહસ્યમય રીતે વિસ્ફોટ થયો હતો અને સંયોગવશ તે શોરૂમનો માલિક પણ રકીબુલ જ હતો. તપાસ એજન્સીઓ હવે એ પણ ચકાસી રહી છે કે, શું આમડાંગાની તે જૂની ઘટના અને હાલમાં થયેલી વિસ્ફોટક જપ્તી વચ્ચે કોઈ સીધો સંબંધ છે. જ્યારે, સ્થાનિક લોકો અનુસાર, આ શંકાસ્પદ કાર છેલ્લા 2 દિવસથી દત્તપુકુરના તેતુલતલા રોડ સ્થિત એક શોરૂમ પાસે લાવારિસ હાલતમાં ઊભી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande