
નવી દિલ્હી, 22 ઓક્ટોબર (હિ.સ.). કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, ગુરુવારે યમુના નદીના પુનરુત્થાન માટે દિલ્હી જળ બોર્ડ (ડીજેબી)ના 43 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ, શ્યામ વિહારમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન કર્યું. આ પ્રોજેક્ટ્સની કુલ કિંમત 8,941 કરોડ રૂપિયા છે. આમાં 10 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ (2,827.11 કરોડ રૂપિયા) અને 33 પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ (6,114.11 કરોડ રૂપિયા) સામેલ છે.
અમિત શાહે કહ્યું કે, યમુનાને સ્વચ્છ બનાવીને 2029માં મત લેવા આવશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ)એ, ત્રીસ વર્ષમાં યમુનામાં ગટરનું પાણી અને છાણ છોડવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે, આજે યમુનાને શુદ્ધ કરવાના ઉદ્દેશ્યથી લગભગ 9,000 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટ્સ યમુનાની સફાઈ માટે કરોડરજ્જુનું કામ કરશે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં સરકાર બન્યાના તરત જ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલા જ મહિનામાં એક મોટી બેઠક બોલાવી હતી. તેમણે દિલ્હી સરકાર અને ગૃહ મંત્રાલય સમક્ષ યમુનાને શુદ્ધ કરવાનો પોતાનો વિઝન રજૂ કર્યો. આટલા ઓછા સમયમાં અમે આ લક્ષ્યની દિશામાં 40 ટકાથી વધુનો પ્રવાસ ખેડી લીધો છે. આ પ્રોજેક્ટ્સમાં અપશિષ્ટ જળ (વેસ્ટ વોટર)ના ઉપચાર અને પીવાના પાણી સંબંધિત ઓખલામાં નવો 124 એમજીડી એસટીપી (1,161 કરોડ રૂપિયા), 8 એસટીપીનું અપગ્રેડેશન (1,041 કરોડ રૂપિયા), બાહ્ય દિલ્હીમાં 29 નવા ડીએસટીપી અને સીવેજ પમ્પિંગ સ્ટેશન (3,113.67 કરોડ રૂપિયા), 1,034 કિમી સીવર નેટવર્ક (1,691 કરોડ રૂપિયા), ચંદ્રાવાલમાં 477 એમએલડી જળ શુદ્ધિકરણ પ્લાન્ટ (298.3 કરોડ રૂપિયા) અને 4.5 કિમી લાંબો મુંડકા ટ્રંક ડ્રેન (225.02 કરોડ રૂપિયા) પ્રોજેક્ટ્સ સામેલ છે.
વિપક્ષના આંદોલનને લઈને અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મત ચોરીનું બહાનું બનાવીને ખરેખરમાં ઘૂસણખોરોના મતોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ ગુજરાતમાં 41 વર્ષ અને દિલ્હીમાં 18 વર્ષ ચૂંટણી જીતી નથી. ત્રીસ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર રહેશે. તેમણે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, દર છ મહિને મારે વિદેશ જવું પડતું નથી. કોંગ્રેસની સરકાર ક્યારેય નહીં બને. યમુનાની સફાઈ માટે આપે કંઈ કર્યું નથી. તેમણે કહ્યું કે, ધરણા પ્રદર્શનથી કંઈ થતું નથી, જનતાનું દુઃખ-દર્દ દૂર કરવા અને કામ કરવાથી સત્તા મળે છે.
અમિત શાહે કહ્યું કે, આઆપ સરકારના સમયમાં પંજાબમાં નશીલા પદાર્થોનો કારોબાર વધ્યો છે. જનતાએ એનડીએની સરકાર લાવવાનો નિર્ણય કરી લીધો છે. કેજરીવાલ, બહાના કામ નહીં આવે, પરિણામો જોઈએ. દિલ્હી હાર્યા પછી તમે પોતાનું ધ્યાન પંજાબ તરફ લગાવી દીધું છે, જેનાથી ત્યાં મુખ્યમંત્રીના કામમાં અવરોધ આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં પંજાબમાં આઆપનો સફાયો થઈ જશે. અમે 2029 સુધીમાં પંજાબમાંથી નશીલા પદાર્થોના કારોબારને ખતમ કરી દઈશું.
હિન્દુસ્થાન સમાચાર / ધીરેન્દ્ર યાદવ / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ