
રાજકોટ, 22 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટના કુવાડવા રોડ પર આવેલી સાત હનુમાન ઝૂપડપટ્ટીમાં રહેતા નવઘણ તુષારભાઈ રાઠોડ નામના યુવકે શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દશેરાની સાંજે મોડો ઘરે આવવા બાબતે પિતા તરફથી ઠપકો મળતા મનમાં લાગી આવવાથી યુવકે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.
ઘટનાની વિગત મુજબ, દશેરાના દિવસે નવઘણે સાંજે પોતાના ઘરમાં માતાજીના ધૂપ-દીપ કર્યા હતા અને ત્યારબાદ પ્રસાદીરૂપે દૂધ-કોલ્ડ્રિંક પીધું હતું. તે સમયે પરિવારના સભ્યો ઘરની બહાર બેઠા હતા, ત્યારે નવઘણે ઝૂપડાની અંદર જઈને કેરોસીન છાંટી જાત સળગાવી લીધી હતી. બનાવને પગલે પરિવારે તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો.
પ્રાથમિક સારવાર બાદ યુવકને ઘરે લાવવામાં આવ્યો હતો, પરંતુ ગત સાંજે તેની તબિયત વધુ બગડતા તેને ત્વરિત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે કુવાડવા રોડ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચીને યુવકનું નિવેદન નોંધવા સહિતની આગળની કાયદાકીય તજવીજ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, અગ્નિસ્નાન કરનાર નવઘણ રાઠોડ ત્રણ ભાઈ અને ત્રણ બહેનમાં સૌથી મોટો છે અને એક સ્થાનિક ફેક્ટરીમાં નોકરી કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે. તેના પિતા ભંગારની ફેરીનો વ્યવસાય કરે છે. રોજ સાંજે સમયસર ઘરે આવતો નવઘણ દશેરાના દિવસે મોડો આવતા પિતાએ ઠપકો આપ્યો હતો, જેનું વ્યાકુળતામાં આ પરિણામ આવ્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt