ગિફ્ટ સિટી અને IIM બેંગ્લોર ગિફ્ટ ફાઇનાન્સ, ઓલિમ્પિયાડ - નેશનલ સ્ટુડન્ટ કેસ ચેલેન્જ 2026’નું આયોજન કરશે
ગાંધીનગર,23 ઓકટોબર (હિ.સ.) વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની પૂર્વતૈયારીના ભાગરૂપે ‘ગિફ્ટ સિટી અને IIM બેંગ્લોર ગિફ્ટ ફાઇનાન્સ ઓલિમ્પિયાડ - નેશનલ સ્ટુડન્ટ કેસ ચેલેન્જ 2026’નું આયોજન કરશે. ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બેંગ્લોરના સહયોગ
ગિફ્ટ સિટી અને IIM બેંગ્લોર ગિફ્ટ ફાઇનાન્સ, ઓલિમ્પિયાડ - નેશનલ સ્ટુડન્ટ કેસ ચેલેન્જ 2026’નું આયોજન કરશે


ગાંધીનગર,23 ઓકટોબર (હિ.સ.) વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની પૂર્વતૈયારીના ભાગરૂપે ‘ગિફ્ટ સિટી અને IIM બેંગ્લોર ગિફ્ટ ફાઇનાન્સ ઓલિમ્પિયાડ - નેશનલ સ્ટુડન્ટ કેસ ચેલેન્જ 2026’નું આયોજન કરશે.

ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બેંગ્લોરના સહયોગથી ગિફ્ટ સિટી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની પૂર્વતૈયારીના ભાગરૂપે ‘ગિફ્ટ ફાઇનાન્સ ઓલિમ્પિયાડ - નેશનલ સ્ટુડન્ટ કેસ ચેલેન્જ 2026’નું આયોજન કરશે.

આ સ્પર્ધામાં દેશભરના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને ભાગ લેવા આમંત્રણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ ગિફ્ટ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (ગિફ્ટ આઈએફએસસી) સાથે સંબંધિત વાસ્તવિક પડકારોના પુરાવા અને તથ્યો પર આધારિત સોલ્યુશન્સ તૈયાર કરવાના રહેશે.

આ સ્પર્ધાનું આયોજન આઈઆઈએમ બેંગ્લોરના સેન્ટર ફોર કેપિટલ માર્કેટ્સ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ ના સહયોગથી કરવામાં આવશે.

તેમાં ભારતની કોઈપણ માન્યતા પ્રાપ્ત કોલેજ, યુનિવર્સિટી કે બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કરતા અનુસ્નાતક વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. વિદ્યાર્થીઓ કોઈપણ વિષયના હોય તો પણ તેઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. દરેક ટીમમાં ચાર વિદ્યાર્થીઓ હોવા જરૂરી છે.

જુદા જુદા વિષયોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંયુક્ત ટીમોને પ્રોત્સાહન આપવામાં આવશે.

આ સ્પર્ધા ત્રણ તબક્કામાં યોજાશે. તેમાં રાષ્ટ્રીય સ્તરની ઓનલાઇન કેસ ચેલેન્જ, ચાર શહેરોમાં રિજનલ ફાઇનલ અને ગ્રાન્ડ ફિનાલેનો સમાવેશ થાય છે.

પ્રથમ તબક્કા માટેના સબમિશન કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર, 2026 છે.

સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ વિશ્લેષણ માટેના બેમાંથી કોઈ એક વિષયની પસંદગી કરી શકશે. ‘માર્કેટ્સ એન્ડ પ્રોડક્ટ ડિઝાઇન’ હેઠળ ગિફ્ટ આઈએફએસસી મારફતે વૈશ્વિક રોકાણકારો માટે ભારતની મોટી કંપનીઓ સાથે જોડાયેલા સિંગલ-સ્ટોક ફ્યુચર્સ શરૂ કરવાની દરખાસ્તનો અભ્યાસ કરવાનો રહેશે.

‘ઇન્સ્ટિટ્યૂશનલ સ્ટ્રેટેજી એન્ડ ગવર્નન્સ’ હેઠળ ગિફ્ટ આઈએફએસસીમાં કાર્યરત એક્સચેન્જો અને ક્લિયરિંગ કોર્પોરેશનો વૈશ્વિક એક્સચેન્જો, કસ્ટોડિયન્સ તથા બજારના અન્ય માળખાકીય સંસ્થાઓ સાથેની ભાગીદારીનું મૂલ્યાંકન કેવી રીતે કરે અને તેને યોગ્ય સ્વરૂપ કેવી રીતે આપે, તેના પર ધ્યાન કેન્દ્રિત કરાશે.

રિજનલ ફાઇનલ 2026માં 21 નવેમ્બરે દિલ્હીમાં, 28 નવેમ્બરે બેંગાલુરુમાં, 30 નવેમ્બરે કોલકાતામાં અને 5 ડિસેમ્બરે મુંબઈમાં યોજાશે. પસંદગી પામેલી ટીમોએ સ્થળ પર યોજાનારા કેસ રાઉન્ડમાં ભાગ લેવાનો રહેશે. તેમાં લાઇવ પ્રેઝન્ટેશન કરવાની સાથે જ્યુરીના પ્રશ્નોના જવાબ પણ આપવાના રહેશે.

દરેક શહેરની વિજેતા ટીમ ગ્રાન્ડ ફિનાલેમાં પ્રવેશ મેળવશે. અહીં અંતિમ તબક્કામાં પહોંચેલી ટીમોને વધુ વિસ્તૃત કેસનો અભ્યાસ કરીને તેના આધારે પોતાની ભલામણો રજૂ કરવાની રહેશે.

સ્પર્ધામાં મળેલી રજૂઆતોનું મૂલ્યાંકન વિશ્લેષણની ગુણવત્તા, વ્યૂહાત્મક ઊંડાણ, ઉકેલનો વ્યવહારિક અમલ શક્ય છે કે નહીં, બજારના વિવિધ વિકલ્પો વચ્ચેના ફાયદા-ગેરફાયદાની સમજ અને રજૂઆતના આધારે કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ સંશોધન અને લેખન માટે એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરી શકશે,

પરંતુ તેમણે આ ઉપયોગની સ્પષ્ટ જાણકારી આપવી પડશે. મૂલ્યાંકન દરમિયાન વિદ્યાર્થીઓના પોતાના વિશ્લેષણ, ઉકેલના વ્યવહારિક અમલની શક્યતા તથા તેમાં રહેલા જોખમો અને વિવિધ વિકલ્પો વચ્ચેના ફાયદા-ગેરફાયદાની સ્પષ્ટ સમજ પર ખાસ ભાર મૂકવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande