


વ્હાલી દીકરીથી લઈને મહિલા સ્વાવલંબન યોજના સુધીની માહિતી અપાઈ, ઘરેલું હિંસાના કિસ્સામાં મદદ મેળવવાની વ્યવસ્થા વિશે પણ કરાઈ સમજણ
કચ્છ, 23 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં ગ્રામ્ય મહિલાઓને સરકારી યોજનાઓનો લાભ મેળવવા, પોતાના કાયદાકીય અધિકારો સમજવા અને આર્થિક રીતે પગભર થવા માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી મહિલા જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા 'બેટી બચાવો, બેટી પઢાવો' સેલ અંતર્ગત આયોજિત આ અભિયાનમાં સખી મંડળ સાથે સંકળાયેલી મહિલાઓને વિવિધ કલ્યાણકારી યોજનાઓ, આર્થિક સહાય અને મુશ્કેલીના સમયે ઉપલબ્ધ સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
કચ્છ જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન રાવલના માર્ગદર્શન હેઠળ ભુજ, નખત્રાણા, મુન્દ્રા અને અંજાર તાલુકાનાં પસંદ કરાયેલા ગામોમાં આ કાર્યક્રમો યોજાયા હતા. ભુજ તાલુકાના મમુઆરા, નખત્રાણા તાલુકાના રામપર અને સાયરા, મુન્દ્રા તાલુકાના ગેલડા તથા અંજાર તાલુકાના વીડી ગામમાં યોજાયેલા કાર્યક્રમોમાં સ્થાનિક મહિલાઓને વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી પ્રક્રિયા સમજાવવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વિમેન (DHEW)ની ટીમે મહિલાઓને વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અને ગંગા સ્વરૂપા પુનઃલગ્ન યોજના અંગે જાણકારી આપી હતી. આ ઉપરાંત ઘરેલું હિંસા અધિનિયમ, ૨૦૦૫ હેઠળ મહિલાઓને મળતા કાયદાકીય રક્ષણ અને અધિકારો વિશે પણ સમજ આપવામાં આવી હતી. યોજનાઓનો લાભ મેળવવા માટેની પાત્રતા તથા સંબંધિત સહાયની માહિતીથી મહિલાઓને માહિતગાર કરવામાં આવી હતી.
ગૃહ ઉદ્યોગ કે અન્ય નાના વ્યવસાય સાથે જોડાયેલી મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે મહિલા સ્વાવલંબન યોજના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. યોજના હેઠળ અરજી કરવાની પ્રક્રિયા, લોન મેળવવાની પદ્ધતિ, સબસિડી અને જરૂરી દસ્તાવેજો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેથી મહિલાઓ પોતાના વ્યવસાયને આગળ વધારવા માટે ઉપલબ્ધ તકોનો ઉપયોગ કરી શકે.
મહિલાઓની સુરક્ષા અને સંકટ સમયે તાત્કાલિક સહાયના હેતુથી ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર તથા પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટરની કામગીરી વિશે પણ સમજાવવામાં આવ્યું હતું.
DHEW, PBSC અને OSCની ટીમ દ્વારા આયોજિત આ પહેલનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓમાં જાગૃતિ વધારી તેમને સરકારી યોજનાઓ સાથે જોડવાનો, આત્મનિર્ભરતા તરફ આગળ વધારવાનો અને પોતાના અધિકારો પ્રત્યે સજાગ બનાવવાનો રહ્યો હતો, તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, કચ્છ દ્વારા જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar