
પાટણ, 23 ઓક્ટોબર (હિ.સ.)પાટણ જિલ્લાના હારીજ તાલુકાના એક ગામમાં દશેરાની રાત્રે 20 ઓક્ટોબરે 11 વર્ષ અને 4 મહિનાની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. ગરબા જોવા ગયેલી બાળકી સાથે પડોશમાં રહેતા 20 વર્ષીય યુવકે દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
કડિયાકામ કરતા શ્રમિક પરિવારની બાળકી દશેરાના દિવસે ગામના ગરબી ચોકમાં ગરબા જોવા અને રમવા ગઈ હતી. બાળકીના પિતા પણ ત્યાં હાજર હતા, પરંતુ ઘરે મહેમાનો આવતાં તેઓ થોડા સમય માટે ઘરે ગયા હતા. પરત ફર્યા બાદ દીકરી ન મળતાં તેમણે તેની શોધખોળ શરૂ કરી હતી.
રાત્રે આશરે 11 વાગ્યે ગરબી ચોકમાં માઈક દ્વારા બાળકીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ થોડી જ વારમાં બાળકી રડતી હાલતમાં ઘરે પરત ફરી હતી. પરિવારજનોને આપવીતી જણાવતાં તેણે પડોશમાં રહેતા 20 વર્ષીય યુવક પર ગંભીર આરોપ મૂક્યો હતો.
બાળકીના જણાવ્યા મુજબ, યુવક તેનો હાથ પકડી બળજબરીથી ઢસડીને ગામની શેરીમાં આવેલા વાડાના ઉકરડા પાછળ લઈ ગયો હતો, જ્યાં તેની સાથે મારપીટ કરી દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન માઈકમાં બાળકીનું નામ સંભળાતાં આરોપી ત્યાંથી ભાગી ગયો હતો.
પરિવારે હારીજ પોલીસમથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે BNS અને પોક્સો (POCSO) કાયદા હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપીને પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેને જેલહવાલે મોકલવાનો આદેશ કરાયો હતો.
તપાસ અધિકારી પી.આઈ. એ.બી. મહેરીયાના જણાવ્યા મુજબ, આરોપીનું મેડિકલ પરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું છે. બાળકીની મેડિકલ તપાસ, અદાલત સમક્ષ નિવેદન નોંધાવવા સહિતની પુરાવા એકત્ર કરવાની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ