
નવસારી, 24 ઓક્ટોબર (હિ.સ.) : નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના આંબાબારી સ્થિત વન વિદ્યાલય હાઈસ્કૂલમાં SDRFની સુરત જી.આર. ઇલેવન ટીમ નંબર-2 દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ કાર્યક્રમ અને મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના 541 વિદ્યાર્થીઓ અને 22 કર્મચારીઓએ ભાગ લીધો હતો. તાલીમનો મુખ્ય હેતુ આપત્તિ કે અકસ્માતના સમયે સલામતી જાળવવા અને તાત્કાલિક બચાવ કામગીરી અંગે સમજ વિકસાવવાનો હતો.
SDRFના જવાનોએ વિદ્યાર્થીઓને પૂર જેવી કુદરતી આફતો, અકસ્માતો અને સર્પદંશની પરિસ્થિતિમાં કેવી રીતે સાવચેતી રાખવી તેની સમજ આપી હતી. આ ઉપરાંત, બેભાન વ્યક્તિને પ્રાથમિક મદદ આપવા તથા હાર્ટ એટેક જેવી કટોકટીમાં CPR કરવાની રીતનું પ્રાયોગિક નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. બચાવ કામગીરીમાં ઉપયોગમાં લેવાતાં વિવિધ આધુનિક સાધનો વિશે પણ વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય નરેશ જે. માહલાએ SDRF ટીમના P.S.I. કાંતિભાઈ એસ. માહલા, A.S.I. નવીનભાઈ ચૌધરી અને ટીમના અન્ય સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. આવી તાલીમથી વિદ્યાર્થીઓમાં આપત્તિ સમયે યોગ્ય નિર્ણય લેવાની સમજ કેળવાશે અને કટોકટીની પરિસ્થિતિમાં જીવન બચાવવાના પ્રયાસો માટે તેઓ વધુ જાગૃત બનશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે