



પોરબંદર , 26 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાની જનરલ બોર્ડ મેયર સાગરભાઇ મોદીના અધ્યક્ષ સ્થાને અને મ્યુનિસિપલ કમિશનર ટી. સી. તીરથાણીની
ઉપસ્થિતિમાં યોજાઈ હતી. સભામાં મહાનગરપાલિકાના વહીવટી માળખા, કર્મચારીઓની ભરતી-બઢતી, કચરા વ્યવસ્થાપન, ઓનલાઇન બાંધકામ પરવાનગી અને પક્ષી
અભયારણ્યના વિકાસ સહિતના મુદ્દાઓ ચર્ચા અને નિર્ણયાર્થે રજૂ કરવામાં આવ્યા હતા.
સભાની શરૂઆતમાં ગત તા. 28 સપ્ટેમ્બર, 2026 રોજ યોજાયેલી સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવા અંગેનો
મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો. સભામાં પોરબંદર મહાનગરપાલિકાના મંજૂર મહેકમમાં
વર્ગ-૨ની જગ્યાઓ પૈકી દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે નિયત જોગવાઈઓ મુજબ ચાર ટકા
જગ્યાઓ અનામત રાખવા અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.
આ દરખાસ્ત અંતર્ગત
સરકારની માર્ગદર્શિકા મુજબ જરૂરી કાર્યવાહી કરી સંબંધિત સમિતિ સમક્ષ દરખાસ્ત
મોકલવા અને સરકારની મંજૂરી બાદ આગળની કાર્યવાહી કરવા અંગે વિચારણા કરવામાં આવી
હતી. ઉપરાંત, વર્ગ-2 ના કુલ 12 સંવર્ગો માટે ભરતી
અને બઢતીના નિયમોના મુસદ્દાને મંજૂરી આપી સરકાર સમક્ષ મંજૂરી માટે રજૂ કરવા અંગેનો
મુદ્દો ચર્ચા માટે મૂકવામાં આવ્યો હતો.
આ સંવર્ગોમાં આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, એકાઉન્ટ ઓફિસર, ચીફ ઓડિટર, કોમ્યુનિટી ડેવલપમેન્ટ ઓફિસર, ડેઝિગ્નેટેડ ઓફિસર, હોર્ટિકલ્ચરલ ઓફિસર, મેનેજર એન્વાયરમેન્ટ, મ્યુનિસિપલ સેક્રેટરી, પબ્લિક રિલેશન ઓફિસર, સ્પોર્ટ્સ ઓફિસર, ટેક્સ ઓફિસર અને બાયોલોજિસ્ટનો સમાવેશ
થાય છે. સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપનને લગતા મુદ્દા અંતર્ગત નામદાર સુપ્રીમ
કોર્ટના આદેશ તથા સરકારના સુધારેલા નિયમોના અનુસંધાને પોરબંદર મહાનગરપાલિકાના “ધ
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2026”ના બાયલોઝ મંજૂર કરવા અંગેની દરખાસ્ત રજૂ
કરવામાં આવી હતી.
આ નિયમોમાં કચરાનું ફરજિયાત વર્ગીકરણ, કચરાનો સંગ્રહ અને પરિવહન તેમજ નિયમોના
ભંગ બદલ દંડ અને ચાર્જ વસૂલવા જેવી જોગવાઈઓનો સમાવેશ થાય છે. ઓનલાઇન બાંધકામ વિકાસ
પરવાનગી મેળવવામાં પ્રોપર્ટી કાર્ડ સમયસર ન મળવાને કારણે અરજદારોને પડતી મુશ્કેલીઓ
અંગે ચર્ચા માટે મુદ્દો રજૂ થયો હતો. એન્જિનિયર અને આર્કિટેક્ટ એસોસિએશન, પોરબંદરની રજૂઆતને ધ્યાનમાં રાખીને, જમીનની માલિકી સંબંધિત દસ્તાવેજો અને
પ્રોપર્ટી કાર્ડમાં નામ અપડેટ થવામાં વિલંબ જેવા પ્રશ્નોના ઉકેલ માટે શરતી વિકાસ
પરવાનગી આપવા અંગે વિચારણા કરવામાં આવી હતી.
પ્રસ્તાવ મુજબ, જરૂરી દસ્તાવેજો નિયત સમયમર્યાદામાં
રજૂ કરવાની શરતે પરવાનગી આપવી કે કેમ તે અંગે નિર્ણય લેવાનો હતો. શહેરના પક્ષી
અભયારણ્યના વિકાસ માટે જમીન ફાળવવા મુદે ચર્ચા કરાઇ હતી. વન વિભાગ દ્વારા પક્ષી
અભયારણ્યના વિકાસ માટે તૈયાર કરવામાં આવેલા ડીપીઆર અને સંયુક્ત સર્વેના નકશાના
અનુસંધાને મહાનગરપાલિકાના હસ્તકની અભયારણ્યને અડીને આવેલી આશરે 4.29 હેક્ટર જમીન
વન વિભાગને ફાળવવા અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ જમીનના ઉપયોગ અને પક્ષી
અભયારણ્યના વિકાસને લગતી આગળની કાર્યવાહી માટે કાયદાકીય જોગવાઈઓ મુજબ મંજૂરી
મેળવવા અંગે વિચારણા કરવામાં આવી હતી.
આમ, પોરબંદર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની સામાન્ય સભામાં શહેરના વહીવટી
તંત્રને લગતા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ કાર્યસૂચિ મુજબ રજૂ કરવામાં આવ્યા હતા. આ
બેઠકમાં મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ
ઓડેદરા, ડેપ્યુટી કમિશનર કિશન ગરસર અને વિવિધ
સમિતિના ચેરમેન તથા કોર્પોરેટરઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya