
જામનગર, 26 ઓક્ટોબર (હિ.સ.) :
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે કૃષિ જણસીઓની મબલખ આવક સાથે ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. મુખ્યત્વે 9 નંબરની મગફળીના રેકોર્ડબ્રેક પ્રતિ મણ ₹2730 સુધીના ઉંચા ભાવ બોલાતા ખેડૂતોમાં આનંદની લહેર વ્યાપી ગઈ છે. મગફળી ઉપરાંત કપાસ, લસણ અને જીરૂ જેવી અન્ય જણસીઓના પણ સારા દામ મળી રહ્યા છે.
આજના હરાજીના દિવસે હાપા યાર્ડમાં કુલ 524 ખેડૂતો પોતાની 16 જેટલી વિવિધ જણસીઓની 26,017 મણ આવક લઈને પહોંચ્યા હતા. જેમાં સૌથી વધુ આવક મગફળીની 9265 મણ નોંધાઈ હતી. આ ઉપરાંત લસણની 6171 મણ, કપાસની 3783 મણ, ડુંગળીની 2548 મણ અને સોયાબીનની 1215 મણ આવક થઈ હતી. સાથે જ ઘઉં, જીરૂ, ચણા, અળદ અને બાજરી જેવી જણસીઓ પણ વેચાણ અર્થે આવી હતી.
બજાર ભાવની વિગતો જોઈએ તો 9 નંબર મગફળીના ભાવ ₹1700 થી ₹2730 અને 66 નંબર મગફળીના ભાવ ₹1500 થી ₹2525 સુધી રહ્યા હતા. આ સિવાય જીણી મગફળીના ₹1200 થી ₹1720 અને જાડી મગફળીના ₹1100 થી ₹1620 પ્રતિ મણ લેખે સોદા થયા હતા. મગફળીના બજારમાં સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અન્ય જણસીઓમાં જીરૂના પ્રતિ મણ ₹4500 થી ₹5165 સુધીના ઉંચા ભાવે સોદા પડ્યા હતા. તે જ રીતે લસણના ભાવ ₹800 થી ₹2560 અને કપાસના ભાવ ₹1820 સુધી બોલાયા હતા. યાર્ડમાં વિવિધ જણસીઓની સારી આવક અને ઉંચા બજારભાવ મળતા ખેડૂતોમાં ભારે ઉત્સાહ અને સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt