જામનગરમાં ટ્રાફિક નિયમભંગ બદલ સીસીટીવીની મદદથી 3 માસમાં 12 હજારથી વધુ વાહનચાલકોને ઈ-મેમો
જામનગર, 26 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર શહેરમાં ટ્રાફિક નિયમોના કડક અમલીકરણ માટે કાર્યરત ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ હેઠળના સીસીટીવી કેમેરાની મદદથી છેલ્લા ત્રણ મહિનામાં ૧૨ હજારથી વધુ વાહનચાલકોને ઈ-મેમો ફટકારવામાં આવ્યા છે. શહેરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વ
ટ્રાફિક વિભાગની કાર્યવાહી


જામનગર, 26 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર શહેરમાં ટ્રાફિક નિયમોના કડક અમલીકરણ માટે કાર્યરત ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ હેઠળના સીસીટીવી કેમેરાની મદદથી છેલ્લા ત્રણ મહિનામાં ૧૨ હજારથી વધુ વાહનચાલકોને ઈ-મેમો ફટકારવામાં આવ્યા છે. શહેરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા આધુનિક ટેકનોલોજીની મદદથી ટ્રાફિકના નિયમો તોડનારાઓ પર સતત વોચ રાખવામાં આવી રહી છે, જેમાં ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી, રોંગ સાઈડમાં વાહન ચલાવવું, ત્રિપલ સવારી, સીટબેલ્ટ ન પહેરવો અને ફેન્સી નંબર પ્લેટ જેવા નિયમભંગ બદલ સ્પીડ પોસ્ટ મારફતે ઈ-ચલણ મોકલવામાં આવી રહ્યા છે.

પોલીસ તંત્ર દ્વારા જુલાઈથી સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન કરવામાં આવેલી કામગીરીની વિગતો મુજબ, જુલાઈ માસમાં ૪,૨૦૮ વાહનચાલકો સીસીટીવી કેમેરાની ઝપટે ચડ્યા હતા. જેમાંથી રૂ. ૪.૨૧ લાખની દંડની રકમ વસૂલાઈ છે, જ્યારે રૂ. ૨૬.૯૮ લાખની રકમ સરકારી ચોપડે બાકી બોલે છે. આ સિવાય ઓગસ્ટ માસમાં સૌથી વધુ ૫,૧૫૪ કેસ નોંધાયા હતા, જેમાં રૂ. ૩.૮૮ લાખની વસૂલાત થઈ છે અને રૂ. ૫૩.૪૫ લાખની ઉઘરાણી બાકી રહી છે.

જ્યારે સપ્ટેમ્બર માસમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ ૩,૫૯૩ વાહનોને ઈ-મેમો મોકલવામાં આવ્યા હતા. આ માસ દરમિયાન વાહનચાલકો પાસેથી રૂ. ૨.૪૫ લાખની રકમ જમા થઈ છે, પરંતુ રૂ. ૨૯.૨૫ લાખનો દંડ હજુ વસૂલવાનો બાકી છે. આમ, છેલ્લા ત્રણ માસના સરવાળા મુજબ જામનગર શહેરમાં ટ્રાફિક દંડ પેટે કુલ રૂ. ૧ કરોડથી વધુની માતબર રકમ વાહનચાલકો પાસેથી ઉઘરાવવાની બાકી નીકળે છે.

વાહન માલિકો ઈ-ચલણની ભરપાઈ પરિવહન વિભાગની અધિકૃત વેબસાઈટ, ગુગલ પે, ફોન પે જેવા ડિજિટલ માધ્યમો દ્વારા અથવા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે રૂબરૂ જઈને પણ કરી શકે છે. તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઈ-ચલણ આવ્યાના ૯૦ દિવસની સમયમર્યાદામાં દંડની ભરપાઈ કરવી ફરજિયાત છે. જો નિયત સમયમર્યાદા બાદ પણ દંડ નહિ ભરાય તો આ રકમની ભરપાઈ વર્ચ્યુઅલ કોર્ટ મારફતે કરવાની રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande