



પોરબંદર, 26 ઓક્ટોબર (હિ.સ.) : દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને નાગરિકોને
ગુણવત્તાયુક્ત અને આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી પોરબંદર
મહાનગરપાલિકાના કમિશનરની સૂચના અનુસાર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખા તથા ફૂડ
એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં
આવ્યું હતું.
આ કામગીરી દરમિયાન ફરસાણ, સમોસા, પૂરી-શાક, ગાંઠિયા સહિતની ખાદ્યવસ્તુઓનું વેચાણ
કરતા કુલ 24 ધંધાર્થીઓના ખાદ્યતેલની ટેસ્ટો મીટર દ્વારા તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ગરમ તેલમાં TPC
(ટોટલ પોલર
કમ્પાઉન્ડ્સ) વેલ્યુ 25 થી વધુ હોય તો તે તેલનો ઉપયોગ આરોગ્ય માટે નુકસાનકારક બની
શકે છે તે બાબતને ધ્યાનમાં રાખીને ચેકિંગ કરવામાં આવ્યું હતું.
આ તપાસમાં પાંચ
ધંધાર્થીઓના ગરમ તેલની TPC
વેલ્યુ ૨૫થી વધુ જણાઈ આવી હતી. પરિણામે
સંબંધિત ધંધાર્થીઓના સ્થળેથી કુલ 16 કિલો દાઝેલા તેલનો જથ્થો સ્થળ પર જ નાશ
કરાવવામાં આવ્યો હતો. સાથે જ તમામ સંબંધિત ધંધાર્થીઓને દાઝેલા તેલનો ફરીથી ઉપયોગ નહીં
કરવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન રેલવે સ્ટેશન રોડ પર
આવેલી પંજાબી સમોસા હાઉસ,
સંતોષી ફરસાણ, રાણીબાગ સામે આવેલ જેમિની નાસ્તા ગૃહ, ચામુંડા પૂરી-શાક તથા એસ.ટી. સ્ટેન્ડ
વિસ્તારમાં આવેલી રઘુવંશી ફરસાણ ખાતે તેલની TPC વેલ્યુ ૨૫થી વધુ જણાઈ આવી હતી.
આ સંયુક્ત કામગીરી ફૂડ એન્ડ ડ્રગ્સ
વિભાગના કેમિસ્ટ હર્ષભાઈ પરમાર તથા પોરબંદર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર રાજ
છાત્રોડિયા અને વિજયભાઈ ઠકરાર દ્વારા કરવામાં આવી હતી. દિવાળીના તહેવાર દરમિયાન
નાગરિકોના આરોગ્યની સુરક્ષા જળવાઈ રહે અને ખાદ્યપદાર્થોના વેચાણમાં સ્વચ્છતા તથા
ગુણવત્તાના ધોરણોનું પાલન થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા આવી તપાસ અને ચેકિંગની
કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya