


પાટણ, 26 ઓક્ટોબર (હિ.સ.) : પાટણના પાંજરાપોળ મેદાન ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા શરદ પૂનમના પવિત્ર પર્વે મહારાસગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ માતાજીની આરતી ઉતારી મહારાસગરબાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોનું ખેસ અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સમાજની એકતા, સાંસ્કૃતિક પરંપરાઓ અને સામૂહિક ઉત્સવોના મહત્ત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે પાટણમાં શરદ પૂનમના દિવસે ઠાકોર સમાજ દ્વારા આ પ્રકારના મહારાસગરબાનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલને બિરદાવતાં તેમણે ભવિષ્યમાં પણ આવી સાંસ્કૃતિક પરંપરાઓ જળવાઈ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર સહિત અન્ય આગેવાનો પણ જોડાયા હતા.
મહારાસગરબામાં સમાજના પરિવારો, યુવાનો અને મોટી સંખ્યામાં લોકોએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સંગીતના તાલે ખેલૈયાઓએ ગરબે ઘૂમી શરદ પૂનમના પર્વની આનંદભેર ઉજવણી કરી હતી. આ આયોજનથી સમાજના લોકોમાં એકતા અને ભાઈચારાની ભાવના મજબૂત બની હતી. સાથે જ નવી પેઢીને પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડવાના પ્રયાસને પણ પ્રોત્સાહન મળ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ