
સુરત, 26 ઓક્ટોબર (હિ.સ.): સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બારાસડી ગામમાં નિર્માણાધીન સ્વામિનારાયણ મંદિરની સાઇટ પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. અહીં પોતાના મોટા ભાઈને મળવા આવેલા 18 વર્ષીય કિરણ ડામોર પાણી પીવા માટે ઉપરના માળે ગયો હતો. આ દરમિયાન તેનો પગ લપસતાં તે નીચે પટકાયો હતો અને ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભા કરાયેલા લોખંડના સળિયા તેના માથા અને આંખમાંથી આરપાર નીકળી ગયા હતા. તેના હાથમાં પણ સળિયાથી ગંભીર ઈજા થઈ હતી.
અકસ્માત બાદ કિરણને પ્રથમ બારડોલીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. યુવકની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ન્યુરોસર્જરી, આંખ અને હાડકાંના નિષ્ણાતો સહિત 10 ડોક્ટરોની ટીમે સારવાર હાથ ધરી હતી. સળિયાનો વધારાનો ભાગ કાપવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ત્યારબાદ આશરે ચાર કલાક સુધી ચાલેલી જટિલ સર્જરીમાં ડોક્ટરોએ સાવચેતીપૂર્વક સળિયો બહાર કાઢ્યો અને મગજમાં થયેલા રક્તસ્રાવને નિયંત્રિત કર્યો હતો.
સુરત સિવિલ હોસ્પિટલના ન્યુરોસર્જરી વિભાગના વડા ડૉ. મેહુલ મોદીના જણાવ્યા અનુસાર, આ પ્રકારની ઈજા અત્યંત દુર્લભ અને જીવલેણ હોય છે. સળિયાને સીધો બહાર કાઢવાથી ભારે રક્તસ્રાવ થવાનો અને દર્દીનો જીવ જોખમમાં મુકાવાનો ભય રહેતો હોવાથી ઓપરેશન થિયેટરમાં જરૂરી પ્રક્રિયા બાદ જ તેને દૂર કરવામાં આવ્યો હતો. સર્જરી પૂર્ણ થયા બાદ કિરણને વેન્ટિલેટર પર રાખીને ICUમાં સારવાર આપવામાં આવી રહી છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ તેની હાલત હજુ પણ અત્યંત ગંભીર છે, જ્યારે અકસ્માતને કારણે તેની આંખને પણ ગંભીર નુકસાન થયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે