સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિએ નવી પેઢીમાં રાષ્ટ્રીય એકતાના સંસ્કારનું સિંચન
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શૈક્ષણિક પ્રવાસને પ્રોત્સાહનઃ સરકારી-ખાનગી શાળા,કોલેજ,તાલિમી સંસ્થાઓ અને દિવ્યાંગ ઉત્કર્ષ સાથે સંકળાયેલ સંસ્થાઓ સહિત વિવિધ સંસ્થાઓનાં બાળકોને ટિકિટમાં 50 ટકા રાહત - વર્ષ 2024 થી અત્યાર સુધીમાં 2157 સંસ્થાઓના 1.86 લાખથી વધ
Instilling the culture of national unity in the new generation on the 151st birth anniversary of Sardar Vallabhbhai Patel


- સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શૈક્ષણિક પ્રવાસને પ્રોત્સાહનઃ સરકારી-ખાનગી શાળા,કોલેજ,તાલિમી સંસ્થાઓ અને દિવ્યાંગ ઉત્કર્ષ સાથે સંકળાયેલ સંસ્થાઓ સહિત વિવિધ સંસ્થાઓનાં બાળકોને ટિકિટમાં 50 ટકા રાહત

- વર્ષ 2024 થી અત્યાર સુધીમાં 2157 સંસ્થાઓના 1.86 લાખથી વધુ લાભાર્થીઓએ લીધો લાભ

રાજપીપળા,26 ઓકટોબર (હિ.સ.) રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિના અવસરે એકતા નગર ખાતે આવેલી વિશ્વપ્રસિદ્ધ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નવી પેઢીમાં રાષ્ટ્રીય ગૌરવ અને દેશપ્રેમના સંસ્કારોનું સિંચન કરવાનું મહત્ત્વપૂર્ણ માધ્યમ બની રહી છે. વિદ્યાર્થીઓને ઇતિહાસના પાનાંઓમાં વાંચેલા રાષ્ટ્રનિર્માણના પ્રસંગોનો પ્રત્યક્ષ અનુભવ કરાવવા અને શિક્ષણને પ્રવાસન સાથે જોડવાના હેતુથી વર્ષ 2024થી શરૂ કરવામાં આવેલી વિશેષ પહેલ અંતર્ગત વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓનાં બાળકોને પ્રવેશ ટિકિટમાં 50 ટકા રાહત આપવામાં આવે છે.

આ પહેલ હેઠળ અત્યાર સુધીમાં 2157 સંસ્થાઓના કુલ 1,86,006 લાભાર્થીઓએ ટિકિટમાં

50 ટકા રાહતનો લાભ લીધો છે. સરકારી-ખાનગી શાળા,કોલેજ,તાલિમી સંસ્થાઓ અને દિવ્યાંગ ઉત્કર્ષ પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આર્થિક રાહતના માધ્યમથી વિવિધ વર્ગનાં બાળકોને દેશના મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય સ્મારકની મુલાકાત લેવાની તક મળે છે, જે શૈક્ષણિક પ્રવાસને વધુ સુલભ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ છે.

શૈક્ષણિક પ્રવાસ એ માત્ર શાળા કે સંસ્થાની ચાર દીવાલોની બહાર ફરવા જવાની પ્રવૃત્તિ નથી,

પરંતુ વિદ્યાર્થીઓના જ્ઞાન, વિચારશક્તિ અને સામાજિક સમજણને વિસ્તૃત કરવાની તક પણ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના યોગદાન, તેમના દૃઢ નેતૃત્વ અને દેશનાં વિવિધ રજવાડાંઓના એકીકરણના ઐતિહાસિક કાર્ય વિશે વધુ ઊંડાણપૂર્વક જાણવાની તક મેળવે છે. આ અનુભવ પાઠ્યપુસ્તકોના જ્ઞાનને વાસ્તવિક જીવન સાથે જોડવામાં મદદરૂપ બને છે.

સરદાર પટેલે અખંડ ભારતના નિર્માણ માટે દર્શાવેલી દૃઢતા, દૂરંદેશી અને રાષ્ટ્રીય એકતાની

ભાવના આજની યુવા પેઢી માટે પણ પ્રેરણારૂપ છે. તેમની વિરાટ પ્રતિમાની મુલાકાત વિદ્યાર્થીઓમાં દેશના ઇતિહાસ પ્રત્યે જિજ્ઞાસા જગાડવાની સાથે રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી અને નાગરિક તરીકેની ફરજ અંગે સમજ વિકસાવવામાં મદદરૂપ બને છે.

આ રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માત્ર પ્રવાસનનો અનુભવ નહીં, પરંતુ રાષ્ટ્રનિર્માણના મૂલ્યોને સમજવાની તક પણ બની રહે છે.આ પહેલનું મહત્ત્વ માત્ર ટિકિટમાં આપવામાં આવતી આર્થિક રાહત પૂરતું સીમિત નથી.સરકારી અને ખાનગી શાળાઓની સાથે તાલીમ સંસ્થાઓ અને દિવ્યાંગજનોની સંસ્થાઓનાં બાળકોને પણ લાભ આપીને શૈક્ષણિક પ્રવાસની તકો વધુ વ્યાપક બનાવવાનો અભિગમ તેમાં પ્રતિબિંબિત થાય છે.

ખાસ કરીને દિવ્યાંગજનોની સંસ્થાઓનાં બાળકોનો સમાવેશ સમાન તક અને સામાજિક સહભાગિતાના મૂલ્યોને પ્રોત્સાહન આપે છે. વિવિધ પૃષ્ઠભૂમિમાંથી આવતા બાળકોને એક જ રાષ્ટ્રીય સ્મારકની મુલાકાત દ્વારા દેશના ઇતિહાસ, સંસ્કૃતિ અને એકતાની ભાવના સાથે જોડાવાની તક મળે છે.

નર્મદા નદીના કિનારે સરદાર સરોવર નજીક સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે ભારતની વૈશ્વિક

ઓળખનું વિશિષ્ટ પ્રતીક છે. સરદાર પટેલની આ વિરાટ પ્રતિમા દેશની એકતા, અખંડિતતા અને સામૂહિક સંકલ્પશક્તિનો સંદેશ આપે છે. અહીંની મુલાકાત વિદ્યાર્થીઓ માટે ઇતિહાસને નજીકથી સમજવાની અને રાષ્ટ્રના ઘડતરમાં મહાન વ્યક્તિત્વોના યોગદાનને જાણવાની પ્રેરણાદાયી તક બની રહે છે.

સરદાર પટેલની 151મી જન્મજયંતિના અવસરે આ પહેલનો મૂળ સંદેશ પણ એટલો જ મહત્ત્વપૂર્ણ

છે કે રાષ્ટ્રનિર્માણના મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવા માટે રાષ્ટ્રીય સ્મારકો માત્ર જોવાલાયક સ્થળો ન રહે, પરંતુ શિક્ષણ, પ્રેરણા અને સામાજિક સમાનતાનાં કેન્દ્રો પણ બને. વર્ષ 2024થી અત્યાર સુધીમાં 2157 સંસ્થાઓના 1,86,006 લાભાર્થીઓ સુધી પહોંચેલી આ પહેલ શિક્ષણ અને પ્રવાસનના સમન્વય દ્વારા રાષ્ટ્રીય એકતાની ભાવનાને નવી પેઢી સાથે જોડવાનો નોંધપાત્ર પ્રયાસ છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande