પાટણના વિજળકુવામાં વિજળેશ્વરી માતાજીના ચોથા પાટોત્સવની ભવ્ય ઉજવણી
પાટણ, 27 ઓક્ટોબર (હિ.સ.)પાટણ શહેરના વિજળકુવા વિસ્તારમાં વિજળેશ્વરી માતાજીનો ચોથો પાટોત્સવ ધાર્મિક માહોલમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. વિજળેશ્વરી માતાજી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજનાં ઇષ્ટદેવી તેમજ સ્થાનિક રહીશોનાં આરાધ્ય દેવી હોવાથી આ પર્વનું વિ
પાટણના વિજળકુવામાં વિજળેશ્વરી માતાજીના ચોથા પાટોત્સવની ભવ્ય ઉજવણી


પાટણ, 27 ઓક્ટોબર (હિ.સ.)પાટણ શહેરના વિજળકુવા વિસ્તારમાં વિજળેશ્વરી માતાજીનો ચોથો પાટોત્સવ ધાર્મિક માહોલમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. વિજળેશ્વરી માતાજી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજનાં ઇષ્ટદેવી તેમજ સ્થાનિક રહીશોનાં આરાધ્ય દેવી હોવાથી આ પર્વનું વિશેષ મહત્ત્વ જોવા મળ્યું હતું. પાટોત્સવ નિમિત્તે માતાજીના દર્શન અને ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

પાટોત્સવના ભાગરૂપે સવારે માતાજીની ભવ્ય પાલખી યાત્રા નગરચર્યા માટે નીકળી હતી, જેમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત ધ્વજારોહણ, સંગીતમય યજ્ઞ અને અન્નકૂટ દર્શન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણમાં રંગાયો હતો અને ભક્તોએ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

યજ્ઞના મુખ્ય યજમાન તરીકે દીપકકુમાર કાંતિલાલ સથવારાએ લાભ લીધો હતો, જ્યારે યજ્ઞના આચાર્ય ઉર્જિત બાલકૃષ્ણ જોષીએ સંગીતમય શૈલીમાં ધાર્મિક વિધિ સંપન્ન કરાવી હતી. સમગ્ર પાટોત્સવનું આયોજન અને સંચાલન વિજળેશ્વરી માતાજી યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. ધાર્મિક કાર્યક્રમોમાં ભક્તોની ઉત્સાહભરી ભાગીદારીએ પાટોત્સવને ભવ્ય અને યાદગાર બનાવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande